Isudan Gadhvi News: જામખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અનિશ્ચિતકાળના ધરણાનો આજે બીજો દિવસ હતો. સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સહિતની ચાર મુખ્ય માંગણીઓ સાથે શરૂ કરાયેલા આ સત્યાગ્રહમાં હજારો ખેડૂતો જોડાઈને સમર્થન આપ્યું હતું.
ઈસુદાન ગઢવી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય હેમંત ખવા, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયા, મહિલા નેતા જીગીશા પટેલ સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદના અભાવને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાનો AAPનો દાવો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે અસરગ્રસ્ત વિસ્તારોને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, ગૌશાળાઓને પૂરતી સહાય આપવામાં આવે, સૌની યોજના હેઠળના ડેમોમાંથી પાણી છોડવામાં આવે અને અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના લાઈટ બિલ માફ કરવામાં આવે.
સૌની યોજનાનું પાણી છોડવાનો નિર્ણય, ઈસુદાન ગઢવીએ ગણાવી આંશિક જીત
સત્યાગ્રહના બીજા દિવસે મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બે જિલ્લાઓમાં સૌની યોજના હેઠળ પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આ નિર્ણયને સત્યાગ્રહની આંશિક જીત ગણાવી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર પાણી છોડવાથી ખેડૂતોની તમામ મુશ્કેલીઓ દૂર થવાની નથી અને ચારેય માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
મનોજ સોરઠીયાએ કહ્યું કે ‘ખેતી બચાવો, ખેડૂત બચાવો’ એ સત્યાગ્રહનો મુખ્ય આગ્રહ છે. સમગ્ર ગુજરાતમાંથી દુષ્કાળ જાહેર કરવાની માંગને સમર્થન મળી રહ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
‘આ ખેડૂતોની લડાઈ છે, રાજકીય કાર્યક્રમ નથી’: ઈસુદાન ગઢવી
ખેડૂતોને સંબોધતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે આ સત્યાગ્રહ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ ખેડૂતોના અધિકારો માટેની લડાઈ છે. તેમણે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોના લોકોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી.
ઈસુદાન ગઢવીએ ખેડૂતોની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં છે અને કેટલાક ખેડૂતો લાઈટ બિલ ભરવાની સ્થિતિમાં પણ નથી. તેમણે સરકારને અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહતના પગલાં ભરવા માંગ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણીના મેદાનમાં રાજકારણ અલગ બાબત છે, પરંતુ હાલમાં ખેડૂતોની પીડાનો મુદ્દો છે. ખેડૂતોને તેમના હક મળે તે માટે સત્યાગ્રહ ચાલુ રાખવામાં આવશે.
પ્રવીણ રામે કહ્યું- મજબૂત મનસૂબાથી સરકારને નિર્ણય લેવો પડે
કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે સરકાર સામે ખેડૂતોની એકતાની વાત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર ગમે તેટલી મજબૂત હોય, પરંતુ લોકોનો મનસૂબો અને સંઘર્ષ મજબૂત હોય તો પરિણામ મેળવી શકાય છે.
તેમણે દાવો કર્યો કે ઈસુદાન ગઢવી ધરણા પર બેઠા તેના પ્રથમ દિવસે જ સરકારે સૌની યોજના હેઠળ પાણી છોડવાની જાહેરાત કરી હતી. તેમણે ખેડૂતોને આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણીમાં જોડાવા અપીલ કરી હતી.
AAP નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર દુષ્કાળ જાહેર કરવા સહિતની ચારેય મુખ્ય માંગણીઓ સ્વીકારતી નથી, ત્યાં સુધી જામખંભાળિયામાં શરૂ કરાયેલો આ સત્યાગ્રહ ચાલુ રાખવામાં આવશે.




