Amit Shah Big statement: અમદાવાદના બોપલ, ઘુમા, આંબલી અને શેલા વિસ્તારમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગુજરાત મુલાકાત દરમિયાન આ વિસ્તારોના રહેવાસીઓ સાથે ખાસ લોક દરબાર યોજ્યો હતો.

લોક દરબારમાં સોસાયટીઓના ચેરમેન અને સ્થાનિક રહેવાસીઓએ વરસાદ દરમિયાન સર્જાયેલી મુશ્કેલીઓ અંગે અમિત શાહ સમક્ષ રજૂઆત કરી હતી. જુલાઈમાં ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પણ પાણી ભરાતા પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી અને કેટલીક જગ્યાએ ગટરની લાઈનોનું પાણી ઘરો સુધી પહોંચી ગયું હતું.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં અગાઉ આટલા ભારે વરસાદનો અનુભવ થયો નથી. 21 ઇંચ જેટલા વરસાદ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલની વ્યવસ્થા અપૂરતી સાબિત થઈ હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.

અમિત શાહે બેઠક દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજનમાં રહેલી ખામીઓ સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં માત્ર 21 ઇંચ નહીં, પરંતુ 30 ઇંચ વરસાદ પડે તો પણ સોસાયટીઓમાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વધુ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી માળખાકીય સુવિધાઓને પણ મજબૂત બનાવવામાં આવશે.

અમિત શાહે સ્પષ્ટ કર્યું કે સાંસદ તરીકે તેઓ આ સમસ્યાની જવાબદારી લે છે અને તેનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશે. તેમણે સોસાયટીઓના ચેરમેનોને પોતાની ફરિયાદો લેખિતમાં આપવા સૂચના આપી હતી, જેથી દરેક વિસ્તારની સમસ્યાને અલગથી સમજી તેનો ઉકેલ લાવી શકાય.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં તેઓ ફરીથી મત માંગવા માટે લોકો વચ્ચે આવે તે પહેલાં આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે ખાતરી આપી કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લોકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી કામગીરી કરવામાં આવશે.