Gujarat Weather: હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. હાલમાં, સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતા 7 ટકા ઓછો વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ચિંતાજનક રીતે 30 ટકા ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં હજુ સુધી કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ બની નથી, તેથી ખેડૂતોએ સારા વરસાદની રાહ જોવી પડશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારો શુષ્ક રહ્યા છે. તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં આ બે શહેરોમાં કોઈ વરસાદ પડ્યો નથી.
આગામી 7 દિવસની પરિસ્થિતિ
• સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત: આગામી સાત દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના બે સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. • અમદાવાદ અને ઉત્તર ગુજરાત: અમદાવાદમાં આગામી સાત દિવસમાં ખૂબ જ હળવો વરસાદ અથવા એક કે બે વાર વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતનું હવામાન મોટે ભાગે શુષ્ક રહેશે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી.
રાજ્યભરમાં વરસાદની ખાધ
ગુજરાતમાં આ સિઝનમાં અત્યાર સુધી પડેલા કુલ વરસાદને જોતાં, રાજ્યવ્યાપી વરસાદની ખાધ 7% છે. પ્રાદેશિક રીતે, ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ જ ઓછા વરસાદને કારણે 30% નોંધપાત્ર ખાધ જોવા મળી છે. તેથી, સારા અને વ્યાપક વરસાદ માટે રાજ્યને થોડા વધુ દિવસો રાહ જોવી પડશે.




