Yogesh Jadwani AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે જાણવા મળ્યું કે ગુજરાતમાં સીએનજીના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. આજથી પાંચ વર્ષ પહેલા સીએનજી ગેસ આપણને 58 રૂપિયામાં મળતો હતો, આજે એ સીએનજી હવે આપણને 88.75 રૂપિયામાં મળી રહ્યું છે. પાંચ વર્ષમાં કુલ 13 વખત વધારો કરવામાં આવ્યો છે. દર વખત ભાજપના લોકો “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર”ની વાતો કરતા હોય અને એ જ મોદી સરકારમાં ભાવ વધારા પર ભાવ વધારો થઈ રહ્યો છે. કોઈ નાનો વેપારી, મધ્યમ વર્ગના પરિવારના લોકો અત્યારે પોતાની નાની ગાડીમાં 88 રૂપિયાનું સીએનજી ભરાવી રહ્યા છે, એવી જ રીતે આપણે એ પણ જોયું છે કે મધ્યમ વર્ગના અને ગરીબ લોકો રીક્ષામાં મુસાફરી કરતા હોય છે હવે એ જ રિક્ષામાં 88.75 રૂપિયાનો ગેસ ભરાતો હોય તો સામાન્ય માણસની રીક્ષાનું ભાડું પણ હવે મોંઘુ થઈ જશે.

વધુ આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, દરેક જગ્યાએ ભાવ વધારો – ભાવ વધારો ચાલે છે ભાજપનું શાસન ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયું છે અને પ્રજાની આંખોમાં ધૂળ નાખીને લોકોની લાગણીઓ સાથે ચેડાં કરીને, “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર” ના નારા સાથે સત્તામાં આવેલી સરકાર લોકો પર ભાવ વધારો ઝીંકી રહી છે. ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભ્રષ્ટાચાર ઓછો કરો, તમારા મેળાવડામાં ખર્ચ ઓછો કરો, લોકો પાસે અત્યારે ધંધા રોજગાર બચ્ચા નથી. કારણ કે તમે જે રીતે ધંધાઓ પર તરાપ મારી છે, જેવી રીતે નાની ઇન્ડસ્ટ્રીઓને ખતમ કરી છે, તમામ જગ્યાએ ખૂબ જ કોમ્પિટિશન ઊભી થઈ ગઈ છે કે સામાન્ય માણસ માટે પોતાનું ઘર રોજગાર ચલાવવામાં મુશ્કેલ થઈ ગયું છે, બાળકોની ફીથી લઈને તમામ જગ્યાએ માણસ પીસાઈ રહ્યો છે ત્યારે સીએનજીના ભાવ વધારાનો વધુ એક માર માણસને જીવવા જેવું નહીં રહેવા દે. તો આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવે છે.