Gujarat News: ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં HPCLની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરીને તેલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ગુજરાત અને રાજસ્થાન સહિતના આરોપીઓની સંડોવણી સામે આવી છે અને કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATSને બાતમી મળી હતી કે આરોપીઓ બાલોત્રા જિલ્લાના પચપદ્રા તાલુકામાં ઉજ્જડ જમીનમાંથી પસાર થતી HPCLની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે તેલ કાઢી રહ્યા છે. ચોરાયેલું ક્રૂડ ઓઇલ અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચવાનું આયોજન હતું. માહિતીના આધારે ATSએ કુવાડવા નજીક સોખડા ગામ તરફ જતા માર્ગ પરથી જયસિંહની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામથી ક્રૂડ ઓઇલ લાવ્યાની કબૂલાત કરી હતી.

ત્યારબાદ ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસની મદદથી બાલોત્રાના તાપરા ગામ નજીક એક રેસ્ટોરન્ટમાંથી કાવતરામાં સામેલ અન્ય સાત આરોપીઓને ઝડપી લીધા હતા. તમામને જાસોલ પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

કાલુડી ગામ પાસે પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ લગાવ્યું

પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તેમણે કાલુડી ગામ નજીક ઉજ્જડ જમીનમાં લગભગ 3થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો. ત્યારબાદ HPCLની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરીને તેમાં વાલ્વ લગાવવામાં આવ્યો હતો. આ વાલ્વ મારફતે તેઓ ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલ કાઢતા હતા.

આરોપીઓની કબૂલાત બાદ ATSએ HPCL અધિકારીઓને જાણ કરી હતી. રાજસ્થાન પોલીસ સાથે ઘટનાસ્થળે તપાસ કરતાં પાઇપલાઇનમાં પંચર કરાયેલું વાલ્વ મળી આવ્યું હતું. આ મામલે જાસોલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. સુરક્ષા સુપરવાઇઝર શ્રવણ કુમાર જાટે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બે ટેન્કર ક્રૂડ ઓઇલ વેચી દીધા

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ લગભગ 10-10 ટન ક્ષમતાના બે ટેન્કર ક્રૂડ ઓઇલ ચોરી કરીને વેચી દીધા હતા. આ બંને ટેન્કર રાજસ્થાનના બેવારના રહેવાસી ગોવિંદ સિંહ ચૌહાણને વેચવામાં આવ્યા હોવાનું ATS સૂત્રોએ જણાવ્યું છે. એક ટેન્કર છ દિવસ પહેલાં અને બીજું ત્રણ દિવસ પહેલાં વેચાયું હતું.

છ મહિનાથી પાઇપલાઇનની રેકી

ATSની તપાસમાં ગેંગની લાંબી તૈયારી પણ સામે આવી છે. આરોપીઓ છેલ્લા છ મહિનાથી પાઇપલાઇનની રેકી કરી રહ્યા હતા. મુખ્ય આરોપી ઘનશ્યામ મહેસાણાથી પાઇપલાઇનનું નિરીક્ષણ કરવા રાજસ્થાન આવ્યો હતો અને જાલોર જિલ્લાના જસવંતપુરાના રહેવાસી મુકેશ મેઘવાલના ઘરે રોકાયો હતો. મુકેશને કેસમાં સ્થાનિક મુખ્ય આરોપી ગણવામાં આવી રહ્યો છે.

રેકી પૂર્ણ થયા બાદ રણજીત, રમેશ, સુરેજી, મહેશ અને દિલીપ યાદવ સહિતના આરોપીઓ લગભગ એક મહિના સુધી તાપરા ગામ નજીકના એક ઢાબા પર રોકાયા હતા. પોલીસે હવે સમગ્ર ગેંગના નેટવર્ક, ચોરાયેલા ક્રૂડ ઓઇલના વેચાણ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ શરૂ કરી છે.