Dholera: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મેટ્રો કનેક્ટિવિટીને વધુ વિસ્તૃત કરવાની દિશામાં મહત્વપૂર્ણ આયોજન સામે આવ્યું છે. મેટ્રો રેલના ફેઝ-3 હેઠળ ધોલેરા એરપોર્ટ સુધી મેટ્રો સેવા શરૂ કરવાની યોજના છે.

પ્રસ્તાવિત રૂટને આગામી દિવસોમાં મંજૂરી મળી શકે છે. આ રૂટ થલતેજથી શરૂ થઈ ગોધાવી અને એસ.પી. રિંગ રોડ થઈને ધોલેરા એરપોર્ટ સુધી પહોંચશે. મળતી માહિતી મુજબ, આ સમગ્ર રૂટની લંબાઈ અંદાજે 60 કિલોમીટર રહેશે અને તેમાં લગભગ 41 મેટ્રો સ્ટેશન બનાવવાનું આયોજન છે.

ધોલેરા એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી શરૂ થવાથી અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી એરપોર્ટ સુધી પહોંચવામાં મુસાફરોને વધુ સુવિધા મળી શકે છે. સાથે જ ધોલેરા વિસ્તારમાં વિકસતી ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિઓને પણ ઝડપી પરિવહન વ્યવસ્થાનો લાભ મળવાની શક્યતા છે. મેટ્રો ફેઝ-3ને મંજૂરી મળ્યા બાદ રૂટ, સ્ટેશન અને બાંધકામ સંબંધિત કામગીરી અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.