Leptospirosis rears in South Gujarat: ચોમાસાની ઋતુ શરૂ થતાં જ દક્ષિણ ગુજરાતમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસિસ ફરી એકવાર ચિંતાનું કારણ બન્યો છે. ભારે વરસાદ બાદ સુરત અને નવસારી જિલ્લામાં સિઝનના પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. હાલ બંને દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામના 46 વર્ષીય વ્યક્તિને 25 જુલાઈએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમને લેપ્ટોસ્પાયરોસિસ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ 1 ઓગસ્ટે નવસારી જિલ્લાના કાશીવાડી ગામના 78 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરોએ લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ખુલ્લા પગે ન ફરવા તેમજ તાવ, શરીરમાં દુખાવો કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.

ચોમાસા પહેલાં આરોગ્ય વિભાગે પ્રાદેશિક નાયબ નિયામક ડૉ. સી.આર. પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ડોક્સીસાયક્લાઇન ગોળીઓનું વિતરણ, જનજાગૃતિ અભિયાન અને નિવારક પગલાંની યોજના તૈયાર કરવામાં આવી હતી. તેમ છતાં સિઝનની શરૂઆતમાં જ કેસ નોંધાતા નિવારક કામગીરીની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ લેપ્ટોસ્પાયરોસિસ ચેપગ્રસ્ત ઉંદર અને અન્ય પ્રાણીઓના પેશાબથી ફેલાય છે. ચોમાસામાં પાણી ભરાવા દરમિયાન આ ચેપ ઝડપથી ફેલાઈ શકે છે. તાજેતરમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઉંદર નિયંત્રણ ઝુંબેશ બંધ થઈ જતાં ચેપનું જોખમ વધુ વધ્યું હોવાનું માનવામાં આવે છે.

આંકડાઓ પણ ચિંતાજનક છે. વર્ષ 2011માં દક્ષિણ ગુજરાતમાં આ રોગના 916 કેસ નોંધાયા હતા અને 177 લોકોના મોત થયા હતા. કડક નિયંત્રણ પગલાં બાદ 2023માં માત્ર પાંચ કેસ નોંધાયા હતા અને એકપણ મૃત્યુ થયું નહોતું. જોકે 2025માં ફરી 37 કેસ સામે આવ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા. સુરત જિલ્લામાં સૌથી વધુ 10 કેસ નોંધાયા હતા, જ્યારે તાપી અને નવસારીમાં નવ-નવ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા અને ચેપના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.