Nepal News: નેપાળના કોશી પ્રાંતના સુનસારી જિલ્લામાં બોલબમ યાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસા હવે અનેક વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. 26 જુલાઈથી શરૂ થયેલા તણાવ બાદ સુનસારી સહિત ભારતની સરહદને અડીને આવેલા અનેક જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર બની છે. હિંસામાં અનેક લોકોના મોત થયા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
સુનસારી બાદ સિરાહામાં પણ હિંસા
સુનસારી બાદ દક્ષિણ-પૂર્વ નેપાળના સિરાહા જિલ્લામાં પણ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં 19 વર્ષીય ગણેશ યાદવનું મોત થયું હોવાનું જણાવાયું છે. પોલીસની કાર્યવાહી દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હતા. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સિરાહા, જનકપુર અને સપ્તરી સહિતના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
ડીજે અને ધાર્મિક ધ્વજને લઈને વિવાદ
મીડિયા અહેવાલો અનુસાર, શ્રાવણ મહિનામાં હિન્દુ શ્રદ્ધાળુઓ કોશી બેરેજથી સુનસારીના કપ્તાનગંજ તરફ પવિત્ર જળ લઈ જઈ રહ્યા હતા. યાત્રા દરમિયાન ડીજે પર વગાડવામાં આવતા જોરદાર સંગીત અને ધાર્મિક ધ્વજને લઈને બે સમુદાયો વચ્ચે વિવાદ થયો હતો. બાદમાં મામલો હિંસક અથડામણમાં ફેરવાયો.
અથડામણ દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી. પથ્થરમારામાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં અનેક દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હોવાના અહેવાલ છે.
અનેક વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ
સુનસારીના વહીવટીતંત્રે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો છે. પૂર્વ-પશ્ચિમ હાઇવે સહિત આશરે 10 વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન મેળાવડા, રેલી, જાહેર સભા અને વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારો તથા સરકારી કચેરીઓની આસપાસ વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
જનકપુર અને સિરાહામાં પણ તણાવ
હિંસાની અસર મધેસી વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. સિરાહાના ગોલબજારમાં વિરોધીઓએ જાહેર સ્થળે પાર્ક કરેલી 11 મોટરસાઇકલને આગ ચાંપી દીધી હોવાના અહેવાલ છે. ત્યારબાદ સ્થાનિક વહીવટીતંત્રે ગોલબજાર અને આસપાસના વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો હતો.
જનકપુરમાં પણ સ્થિતિ વણસતી અટકાવવા માટે જનકપુર સબ-મેટ્રોપોલિટન શહેર સહિત આસપાસના કેટલાક વિસ્તારોમાં બપોરે 3:30 વાગ્યાથી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન બાલેન્દ્ર શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે દેશની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. ખાસ કરીને સુનસારી અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સરકાર દ્વારા હિંસા પર નિયંત્રણ મેળવવા અને બંને સમુદાયો વચ્ચે વધુ અથડામણો અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
બંને સમુદાયોને શાંતિ જાળવવાની અપીલ
સુનસારીથી શરૂ થયેલો તણાવ હવે સિરાહા, સપ્તરી અને જનકપુર સુધી પહોંચ્યો છે. વહીવટીતંત્રે બંને સમુદાયોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.




