CM Bhupendra Patel News: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ લુસડિયાધામની મુલાકાત લઈને આદિજાતિ સમાજના આરાધ્ય સંત સુરમલદાસજીની સમાધિના દર્શન કર્યા હતા. તેમણે સંત સુરમલદાસજીની સમાધિ, ધૂણો તેમજ રામદેવપીરની પ્રતિમા સમક્ષ નમન કરી આશીર્વાદ મેળવ્યા અને આ પવિત્ર પ્રસંગે ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમા નિમિત્તે સંત સુરમલદાસજીની છઠ્ઠી પેઢીના વારસદાર સંતોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે લુસડિયાધામના સંતોએ મુખ્યમંત્રીને સંત સુરમલદાસજીની તસવીર અર્પણ કરી શુભાશિષ પાઠવ્યા હતા. લુસડિયા ધામ ટ્રસ્ટના પ્રમુખ ડી.એમ. ભોઈએ સંત સુરમલદાસજીના જીવન અને સમાધિની મહિમા વિશે માહિતી આપી હતી.

ગુરુપૂર્ણિમાના અવસરે મુખ્યમંત્રીએ લુસડિયાધામ ખાતે ઉપસ્થિત સંતો અને ભક્તજનોનું અભિવાદન સ્વીકાર્યું અને તેમની સાથે આત્મીય સંવાદ પણ કર્યો. તેમણે ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વને રેખાંકિત કરતાં આ પર્વને ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય પ્રતીક ગણાવ્યું.

ગુજરાત અને રાજસ્થાનના આદિજાતિ વિસ્તારોમાંથી દર વર્ષે હજારો ભક્તો ગુરુપૂર્ણિમાના દિવસે લુસડિયાધામ પહોંચીને સંત સુરમલદાસજીની સમાધિના દર્શન કરે છે અને ગુરુજનોના આશીર્વાદ મેળવે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી આ ભક્તિમય માહોલમાં આદિજાતિ પરિવારો સાથે સહભાગી બન્યા હતા.

આ મુલાકાત દરમિયાન રાજ્યના આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી પી.સી. બરંડા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મયૂરભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન સહિત અનેક રાજકીય-સામાજિક આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.