Surat News: સુરતના અમરોલી છાપરાભાટા વિસ્તારમાં તાપી નદીમાં માછીમારી દરમિયાન એક અનોખી ઘટના સામે આવી છે. માછીમારો જ્યારે નદીમાં નાખેલી જાળ ખેંચી રહ્યા હતા ત્યારે માછલીના બદલે આશરે ત્રણ ફૂટ લાંબું મગરનું બચ્ચું જાળમાં ફસાયેલું જોવા મળ્યું હતું. આ દૃશ્ય જોતા જ આસપાસના વિસ્તારમાં હોબાળો મચી ગયો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.
ઘટનાની જાણ થતાં ગ્રીન ગાર્ડિયન ગ્રુપની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્વયંસેવકોએ જરૂરી બચાવ સાધનોની મદદથી કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના મગરના બચ્ચાને જાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. ત્યારબાદ તેની પ્રાથમિક તપાસ કરીને તેને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તાપી નદીમાં સામાન્ય રીતે મગરો જોવા મળતા નથી. જોકે ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીના પ્રવાહમાં આવેલા ફેરફારને કારણે મગરો સ્થળાંતર કરીને નીચેના વિસ્તારોમાં પહોંચી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તાપી નદીના વિવિધ વિસ્તારોમાં મોટા તેમજ નાના મગરો જોવા મળવાના બનાવોમાં વધારો નોંધાયો છે, જેના કારણે નદી કિનારે રહેતા લોકો અને માછીમારોમાં ચિંતા વ્યાપી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મગરનું બચ્ચું પુખ્ત મગર જેટલું ખતરનાક નથી, પરંતુ તેના તીક્ષ્ણ દાંતના કારણે તે કરડે તો ઈજા પહોંચી શકે છે. સામાન્ય રીતે મગરના બચ્ચા માણસોથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની નજીક માતા મગર હોય તો હુમલો થવાની શક્યતા વધી જાય છે. તેથી નદી કિનારે મગર દેખાય તો તેનાથી સુરક્ષિત અંતર જાળવવાની અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ દરમિયાન અનેક સ્થળોએ મગરો રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર જોવા મળ્યા હતા.




