Amit Chavda Congress News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ NEET પેપર લીક અને પરીક્ષા કૌભાંડ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ડબલ એન્જિન સરકારના શાસનમાં વારંવાર પેપર લીક અને પરીક્ષાઓ રદ થવાને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.

Amit Chavdaએ જણાવ્યું કે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે રસ્તા પર છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો અને પરીક્ષા કૌભાંડો અંગે મૌન રહેવાનો આરોપ લગાવ્યો.

કોંગ્રેસ પ્રમુખે જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની નિંદા કરતાં કહ્યું કે લોકશાહી દેશમાં વિદ્યાર્થીઓ સાથે થયેલો આ પ્રકારનો વ્યવહાર નિંદનીય છે. તેમણે દાવો કર્યો કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાના બદલે તેમના પર બળપ્રયોગ કરવામાં આવ્યો.

તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે સંસદમાં પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાની ગેરરીતિઓ અંગે ચર્ચાની માંગ કરી હતી, પરંતુ સરકારે તેને સ્વીકારી નહીં. કોંગ્રેસ વિદ્યાર્થીઓના હક્કો, પારદર્શક પરીક્ષા વ્યવસ્થા અને શિક્ષણ ક્ષેત્રમાં જવાબદારી નક્કી કરવાની માંગ સાથે લડત ચાલુ રાખશે.