Gujarat IAS Transfer: ગુજરાત સરકારે મંગળવારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરબદલ કરતાં 28 IAS અધિકારીઓ અને 13 ગુજરાત વહીવટી સેવા (GAS) અધિકારીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે. આ ફેરબદલ હેઠળ અનેક જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ વિવિધ સરકારી નિગમોના વડાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પ્રભાવ જોશીને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓએ માત્ર બે મહિના પહેલાં જ જૂનાગઢના કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના સ્થાને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના સચિવ આઈ.આર. વાળાને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરના પદે નિમણૂક કરવામાં આવી છે.
ટ્રાન્સફર યાદી મુજબ, દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સ્મિત સંતોષ લોઢાને સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મોકલવામાં આવ્યા છે. ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA)ના મેનેજિંગ ડિરેક્ટર જી.એચ. મકવાણાને ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કૌશલ્ય વિકાસ વિભાગના નિર્દેશક કે.જે. રાઠોડ હવે દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપશે. તેમના સ્થાને ગુજરાત વક્ફ બોર્ડના CEO પી.બી. રાઠોડને કૌશલ્ય વિકાસ વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે. પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે સુરત શહેરી વિકાસ સત્તામંડળના CEO એસ.આર. રમેશચંદ્રને પોરબંદર મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે.
ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ મહેશ જાનીને ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર એમ.પી. પંડ્યા હવે ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે.
સરકારે દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગરને પણ નવા જિલ્લા વિકાસ અધિકારીઓ આપ્યા છે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કે.પી. જોશીને દેવભૂમિ દ્વારકાના DDO તરીકે અને ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડી.કે. બ્રહ્મભટ્ટને ગાંધીનગરના DDO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. ઝાનાલાને ડાંગ-આહવાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ છે.
આ ઉપરાંત ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સચિવ એમ.કે. જોશીને ગુજરાત વિકાસ સહાય એજન્સીના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે સાથે સાથે 13 GAS વર્ગ-1 અધિકારીઓના પણ ટ્રાન્સફર અને નવી પોસ્ટિંગના આદેશો જાહેર કર્યા છે. તેમાં વી.કે. પટેલને GIDCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એ.કે. પ્રજાપતિને અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર, ડી.એન. સતાણીને ગાંધીનગરમાં નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત ડિરેક્ટર, જી.વી. મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સચિવ અને વાય.એસ. ચૌધરીને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના આ વ્યાપક વહીવટી ફેરબદલને વિવિધ વિભાગોની કામગીરી વધુ અસરકારક બનાવવા અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.




