Gujarat News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ અને હરિયાળું ભારત’ વિઝનને આગળ વધારતા ગુજરાતે ગ્રીન એનર્જી ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન એક જ વર્ષમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાવ્યો છે. રાજ્યએ કુલ 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું ઉત્પાદન કરીને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે.
સરકારી માહિતી અનુસાર, વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતે 49.79 મિલિયન ટન (mtCO₂e) કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં જતાં અટકાવ્યું છે. રાજ્યના ઇતિહાસમાં એક જ વર્ષમાં નોંધાયેલો આ સૌથી મોટો કાર્બન ઘટાડો માનવામાં આવે છે. આ સિદ્ધિ પાછળ સૌર ઊર્જા, પવન ઊર્જા અને અન્ય નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોના ઝડપી વિસ્તરણને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતે કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સફળતા મેળવી છે. રાજ્યમાં દર વર્ષે અંદાજે 442 મિલિયન ટન ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન થાય છે, જેના મુકાબલે આ ઘટાડો નોંધપાત્ર ગણાય છે. રાજ્ય સરકારની ગ્રીન એનર્જી નીતિઓ અને નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન જાળવવામાં સફળ રહ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગ્રીન એનર્જીના વધતા ઉપયોગથી કોલસા અને અન્ય અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટે છે, જેના કારણે કાર્બન ઉત્સર્જનમાં સીધો ઘટાડો થાય છે. સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ હવાની ગુણવત્તા સુધારે છે, પ્રદૂષણ ઘટાડે છે અને ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વરસાદ, પૂર તથા દુષ્કાળ જેવી આબોહવા સંબંધિત સમસ્યાઓને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે.
ગુજરાત સરકારે ‘સંકલિત RE નીતિ-2026’, ગ્રીન હાઇડ્રોજન નીતિ અને ગુજરાત પંપ સ્ટોરેજ નીતિ જેવી યોજનાઓ દ્વારા ગ્રીન એનર્જીને વધુ ગતિ આપી છે. GUVNL, GEDA અને GPCL જેવી સંસ્થાઓના સતત પ્રયાસોથી રાજ્યના વીજ ઉત્પાદન મિશ્રણમાં ગ્રીન એનર્જીનો હિસ્સો સતત વધી રહ્યો છે.
રાજ્ય સરકારે 2030 સુધીમાં 100 ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જી ક્ષમતા વિકસાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સાથે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધી ‘નેટ ઝીરો’ હાંસલ કરવાના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર બની રહ્યું છે. ગ્રીન એનર્જીમાં રાજ્યની આ પ્રગતિ ભારતની વૈશ્વિક આબોહવા પ્રતિબદ્ધતાઓને પણ મજબૂત બનાવે છે અને ગુજરાતને ટકાઉ વિકાસના મોડેલ તરીકે સ્થાપિત કરે છે.




