Gujarat News: ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય બન્યું છે. શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ વર્ષે ચોમાસું રાજ્યમાં 24 જૂને, એટલે કે સામાન્ય કરતાં નવ દિવસ મોડું પહોંચ્યું હતું. જોકે, આગમન બાદ 23 દિવસમાં રાજ્યમાં 231.91 મીમી એટલે કે સિઝનના સામાન્ય વરસાદના 25.52 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 35.76 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 28.67 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 18.10 ટકા અને ઉત્તર ગુજરાતમાં 14.42 ટકા વરસાદ થયો છે. કચ્છમાં સૌથી ઓછો માત્ર 3.32 ટકા વરસાદ નોંધાયો છે. હજુ પણ કચ્છના અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં વરસાદનો એક પણ ટીપો પડ્યો નથી.

શુક્રવારે વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 3.07 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના ખેરગામમાં 2.05 ઇંચ અને ભાવનગર તાલુકામાં 1.38 ઇંચ વરસાદ પડ્યો હતો. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ, ગુરુવારે સાંજે આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. પઠાણવાડા, સ્ટેશન રોડ, એસટી બસ સ્ટેન્ડ, સ્ટેશન ચોકી, એન.કે. હાઈસ્કૂલ વિસ્તાર, ટાઉન હોલ, ગંજ બજાર, સાંઈનાથ ચોકડી રોડ, કોલેજ ચોકડી, ગફુર બસ્તી, દેવકુવા ભાગોળ, માલવ વિસ્તાર, રાજા ચોક અને તાઈવાડા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

વરસાદના કારણે રણછોડજી ચોકડીથી કોલેજ ચોકડી સુધી ચાલી રહેલા આઇકોનિક રોડ પ્રોજેક્ટના ખોદકામમાં પાણી ભરાઈ જતાં ઇમરજન્સી ફરજ પર રહેલી 112 પોલીસ પેટ્રોલિંગ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. બાદમાં સ્થાનિક લોકો અને વહીવટી તંત્રની મદદથી વાહનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું.

આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ ખોદાયેલા રસ્તાઓનું સમયસર સમારકામ ન કરવા બદલ મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. વરસાદ બાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા અને અધૂરા માર્ગકામને લઈને નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી