Surat police News: સુરતમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોમાં ભય ફેલાવનાર કુખ્યાત ચેઈન સ્નેચરને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. માત્ર 19 વર્ષીય દેવ ઉર્ફે યોગેશ વાઘેલાએ વૈભવી જીવનશૈલી જીવવા અને સરળતાથી પૈસા કમાવવાની લાલચમાં ગુનાનો માર્ગ અપનાવ્યો હતો. તેની ધરપકડ બાદ શહેરમાં નોંધાયેલા ચેઈન સ્નેચિંગના સાત ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દેવ વાઘેલા મોંઘા કપડાં પહેરવા, સ્પોર્ટ્સ બાઇક ચલાવવા અને મિત્રો સાથે મોજશોખ કરવા માટે ગુનાઓ કરતો હતો. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીકથી તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે શહેરના વિવિધ વિસ્તારોમાં સાત ચેઈન સ્નેચિંગના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી.
₹5.75 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીના કબજામાંથી અંદાજે ₹4.25 લાખની કિંમતની બે અસલી સોનાની ચેઈન અને ગુનામાં વપરાયેલી આશરે ₹1.50 લાખની યામાહા સ્પોર્ટ્સ બાઇક જપ્ત કરી છે. કુલ મળીને પોલીસે ₹5.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મોર્નિંગ વોક કરનારાઓને બનાવતો હતો નિશાન
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વહેલી સવારે પોશ વિસ્તારોમાં બાઇક પર ફરી એકલા મોર્નિંગ વોક કરતા પુરુષો અને મહિલાઓને નિશાન બનાવતો હતો. તક મળતા જ તે ઝડપથી તેમની નજીક પહોંચી ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી ફરાર થઈ જતો હતો.
આરોપીએ 27 એપ્રિલ, 2026ના રોજ પાલ-ઉમરા બ્રિજ પર એક વૃદ્ધની સોનાની ચેઈન છીનવી લીધી હતી. બાદમાં બીજી એક ઘટનામાં ચેઈન નકલી હોવાનું જાણવા મળતાં તે તેને રસ્તામાં ફેંકીને ભાગી ગયો હતો. તેણે પાલ કેનાલ રોડ, ઇડન ગાર્ડન સોસાયટી, ગેંડા સર્કલ, રાજહંસ સર્કલ અને અડાજણ સહિતના વિસ્તારોમાં પણ ચેઈન સ્નેચિંગની ઘટનાઓ આચરી હોવાનું કબૂલ્યું છે.
અભ્યાસ છોડીને ગુનાની દુનિયામાં પ્રવેશ
પોલીસના જણાવ્યા મુજબ દેવ વાઘેલાને અભ્યાસમાં રસ ન હોવાથી તેણે ધોરણ 12 પહેલાં જ અભ્યાસ છોડી દીધો હતો. ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચ અને વૈભવી જીવન જીવવાની ઇચ્છાએ તેને ગુનાની દુનિયામાં ધકેલી દીધો હતો. છેલ્લા છ મહિનાથી તે સતત ચેઈન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો.
વધુ ગુનાઓની તપાસ ચાલુ
સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું કે અષાઢી બીજની રથયાત્રા દરમિયાન ચાલી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન સાતથી વધુ ગુનાઓમાં સંડોવણી સામે આવી છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે કે આરોપી કોઈ સંગઠિત ગેંગ સાથે જોડાયેલો હતો કે અન્ય ચેઈન સ્નેચિંગના ગુનાઓમાં પણ સામેલ હતો.




