Ahmedabad News: ચાંદખેડા પોલીસે તાંઝાનિયા અને કેન્યાની બે મહિલા નાગરિકોની અટકાયત કરી હતી, જેઓ તેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં શહેરમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. તેમની સામે ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, તાંઝાનિયાની હેલેના ન્યાગાલુ (29) અને કેન્યાની મેગ્ડાલેના ન્દુતા કિન્યાનજુઈ (41) ગાંધીનગરના એનર્જી કોમ્પ્લેક્સ વિસ્તારમાં બે અલગ અલગ હોટલમાં રોકાઈ હતી.
પોલીસે તેમના પાસપોર્ટ, ઓળખ કાર્ડ અને વિઝા દસ્તાવેજોની તપાસ કરી. પ્રાથમિક તપાસ બાદ, ચાંદખેડા પોલીસે બંને વિદેશી નાગરિકોની ફોરેનર્સ એક્ટ હેઠળ અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર, વિઝાની મુદત પૂરી થયા પછી રોકાયેલા વિદેશી નાગરિકોની તપાસ માટે ઝુંબેશ ચાલી રહી છે. બ્યુરો ઓફ ઇમિગ્રેશનના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) તરફથી મળેલી માહિતીના આધારે, ચાંદખેડા પોલીસ સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી.




