Surat News: સુરતમાં 6 અને 7 જુલાઈના ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિથી પ્રભાવિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને નાના ધંધાર્થીઓને રાહત આપવા માટે ગુજરાત સરકારે વિશેષ પુનર્વસન સહાય પેકેજ જાહેર કર્યું છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત દુકાનદારો અને ઉદ્યોગપતિઓને એક વખતની ₹1 લાખ સુધીની નાણાકીય સહાય, બેંક લોન પર વ્યાજ સબસિડી તેમજ રહેણાંક અને વાણિજ્યિક મિલકતો પર એક વર્ષ માટે મ્યુનિસિપલ મિલકત વેરામાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રસ્તાની બાજુએ ધંધો કરતા ફેરિયાઓ, હાથગાડી સંચાલકો અને નાના-મોટા કેબિનધારકોને પણ સહાય આપવામાં આવશે.
ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ પેકેજનો હેતુ સુરતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદરૂપ થવાનો છે. તેમણે જણાવ્યું કે નુકસાનનું મૂલ્યાંકન સર્વે, ફોટોગ્રાફ્સ, વીડિયો અને અન્ય પુરાવાના આધારે કરવામાં આવશે અને ત્યારબાદ પાત્ર લાભાર્થીઓને સહાય આપવામાં આવશે.
સરકારના નિર્ણય મુજબ, લારી અથવા હાથગાડી ચલાવનારાઓને ₹7,500, 40 ફૂટ સુધીના કેબિનના માલિકોને ₹25,000 અને 40 ફૂટથી મોટા કેબિનના માલિકોને ₹50,000ની એકમુશ્ત સહાય મળશે. જ્યારે કાયમી દુકાન ધરાવતા અને પાછલા ક્વાર્ટરનું GST રિટર્ન ભરનાર વેપારીઓને ₹1 લાખની સહાય આપવામાં આવશે.
સરકારે GST ભરતા વેપારીઓ માટે વિશેષ લોન સહાય યોજનાની પણ જાહેરાત કરી છે. ₹7.5 લાખ સુધીના માસિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને ત્રણ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી સાથે ₹20 લાખ સુધીની ટર્મ લોન પર મહત્તમ ₹5 લાખની સબસિડી મળશે. ₹7.5 લાખથી ₹15 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹25 લાખ સુધીની લોન પર મહત્તમ ₹8 લાખની સબસિડી મળશે, જ્યારે ₹15 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹30 લાખ સુધીની લોન પર મહત્તમ ₹10 લાખની સબસિડી આપવામાં આવશે.
સરકારે વધુ એક મહત્વપૂર્ણ રાહત આપતાં સુરત શહેરના પૂરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં એક વર્ષ માટે મિલકત વેરો માફ કરવાનો પણ નિર્ણય કર્યો છે. લાભ મેળવવા માટે વેપારીઓએ 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં સંબંધિત સત્તાધિકારી સમક્ષ નિર્ધારિત ફોર્મમાં અરજી કરવાની રહેશે.
રાજ્ય સરકારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 19,256 પરિવારોને રોકડ સહાય અને 39,237 વ્યક્તિઓને વિવિધ પ્રકારની નાણાકીય રાહત આપવામાં આવી છે, જેનો કુલ ખર્ચ ₹13.15 કરોડ થયો છે.
ઉલ્લેખનીય છે કે 6 અને 7 જુલાઈના ભારે વરસાદ બાદ સુરતના રાંદેર, લિંબાયત, વરાછા સહિતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક દુકાનો, રહેણાંક મકાનો અને વ્યાવસાયિક એકમોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓ અને સ્થાનિકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. હવે રાજ્ય સરકારના આ રાહત પેકેજથી અસરગ્રસ્તોને ફરીથી વ્યવસાય શરૂ કરવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




