Chaitar Vasava: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહ સરકારને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા ખૂંચી રહી છે. ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા ત્યારથી જનતાના પ્રશ્નો, દરેક સમાજના પ્રશ્નો, રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય, સનદની જમીન, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને GIDCના પ્રશ્નો ઉઠાવીને મજબૂતાઈથી સરકાર સામે લડે છે અને લોકોને ન્યાય અપાવે છે. આ જ બાબત ભાજપના નેતાઓને અને આ સરકારને ગમતી નથી. એના જ ભાગરૂપે ચૈતરભાઈ સામે તદ્દન ખોટી એફ.આઈ.આર. (FIR) કરવામાં આવી અને તેમને સાત વર્ષ જેટલી સજા ફટકારવામાં આવી છે. સરકારના આ અન્યાય સામે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા તમામ ગામડાઓમાં ઘરે-ઘરે જઈને ચૈતરભાઈના સમર્થનમાં એક વિશેષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત તમામ ગ્રામજનો દ્વારા સહી કરીને જનસમર્થનનો સહયોગ આપવામાં આવશે, સાથે જ ચૈતરભાઈએ જનતા માટે કરેલી કામગીરીની પત્રિકા (પેમ્ફલેટ) પણ લોકોને વહેંચવામાં આવશે.

આ આંદોલનના ભાગરૂપે આગામી 20-07-2026 તારીખે (સોમવારના રોજ) રાજપીપળા ખાતે લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થશે અને એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનસભામાં પક્ષના પ્રદેશ નેતા ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા તેમજ અનેક મહાનુભાવો હાજર રહેશે. આ જનસભા પૂર્ણ કર્યા બાદ, નર્મદા કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવામાં આવશે. ચૈતરભાઈના સમર્થનમાં સહી કરીને જે લાખો લોકોએ સહયોગ આપ્યો છે, તે સહીઓ સાથે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર સુપ્રત કરાશે. આ આવેદનપત્ર દ્વારા માંગ કરવામાં આવશે કે ચૈતરભાઈ પર જે ખોટા કેસો કરીને તેમને ફસાવવામાં આવ્યા છે, તેમાં તેમને વહેલી તકે ન્યાય મળે અને સત્ય પ્રજાની સામે આવે. નર્મદા જિલ્લામાં આ ખૂબ જ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેથી હું નર્મદા જિલ્લાના તમામ આગેવાનો, કાર્યકરો અને સર્વસમાજના લોકોને નમ્ર વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં જોડાઈને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પોતાનો સહયોગ આપે.