CM Bhupendra Patel News: ગાંધીનગરમાં વિચરતી-વિમુક્ત જાતિઓના કલ્યાણ માટે VSSMના શૈક્ષણિક સંકુલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘અંત્યોદય’ના વિઝનને યાદ કરતાં જણાવ્યું કે, ગરીબી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થયા હોવા છતાં મોદીએ ક્યારેય પોતાની વ્યથા રજૂ કરી નથી, પરંતુ હંમેશાં ‘વ્યથામાંથી વ્યવસ્થા’ સર્જવાનો માર્ગ અપનાવ્યો છે. સમાજના ગરીબ અને વંચિત વર્ગોની પીડા કાયમ માટે દૂર થાય તેવી વ્યવસ્થાઓ ઉભી કરવી એ જ વડાપ્રધાનના ચિંતનનો આધાર રહ્યો છે.
CM Bhupendra Patelએ જણાવ્યું કે, વર્ષોથી ભટકતું જીવન જીવતા વિચરતા અને વિમુક્ત જાતિના પરિવારોને સમાજમાં સન્માનજનક સ્થાન અને કાયમી સરનામું મળે તે માટે નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ પહેલ કરી હતી. તેમના વિઝનના પરિણામે આજે ગુજરાતમાં આ સમુદાયોના કલ્યાણ માટે અનેક અભૂતપૂર્વ કાર્યો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, સ્થાયી સરનામું મળવાથી વ્યક્તિને ઓળખ મળે છે અને ઓળખ મળ્યા બાદ સમાજમાં તેના હકો પણ સુનિશ્ચિત થાય છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો રોજિંદા જીવનમાં રહેવા, ભોજન અને બાળકોના ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાઓનો સામનો કરે છે. આવા પરિવારોને રહેઠાણથી લઈને શિક્ષણ અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કાર્ય ખૂબ જ પુણ્યમય અને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, જીવનમાં સ્થિરતા અને સફળતા પ્રાપ્ત કર્યા બાદ સમાજ માટે કંઈક કરવાની ભાવના જન્મે છે. સમાજના વંચિત વર્ગો માટે કામ કરવાની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાંથી મળે છે. તેમણે ઉમેર્યું કે, દેશ આજે ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક પ્રગતિ કરી રહ્યો છે, તેમ છતાં વડાપ્રધાનના ચિંતનમાં સમાજના સૌથી નાના અને છેવાડાના વ્યક્તિનું કલ્યાણ કેન્દ્રસ્થાને રહ્યું છે.
‘વિકસિત ભારત’ના વિઝન અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અનિવાર્ય છે. પરંતુ વિકાસ માત્ર શહેરો સુધી સીમિત ન રહે, સમાજના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસના લાભ પહોંચે ત્યારે જ સાચા અર્થમાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું નિર્માણ શક્ય બનશે.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ (VSSM) ઘરવિહોણા અને વિચરતા-વિમુક્ત જાતિના પરિવારો માટે આશાનું કેન્દ્ર બની છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘અંત્યોદય’ની વિચારધારા હેઠળ દેશભરમાં અનેક ઘરવિહોણા પરિવારોને પાકા મકાનો મળ્યા છે, જ્યારે ગુજરાત સરકારે પણ આ સમુદાયોના રહેઠાણ અને વિકાસ માટે વિવિધ સહાય પૂરી પાડી છે.
VSSMના સ્થાપક ટ્રસ્ટી મિત્તલબેન પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના સહકારથી વિચરતી જાતિઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકાઈ છે. તેમણે માહિતી આપી કે, સંસ્થાએ અત્યાર સુધીમાં 2,000થી વધુ ઘરોનું નિર્માણ કરાવ્યું છે, 13,000 પરિવારોને સ્વરોજગાર માટે લોન ઉપલબ્ધ કરાવી છે તેમજ 470 તળાવોના ઊંડીકરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યો પણ હાથ ધર્યા છે.
કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ખતાલે, VSSMના પ્રમુખ લીલાધર ગડા, વિવિધ દાતાશ્રીઓ, ટ્રસ્ટીઓ, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિચરતા સમુદાયના પરિવારો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.




