Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સ્થિત હોલીધર વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે કોઈ મુદ્દાને લઈને અથડામણ થઈ હતી. અચાનક બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. ઉશ્કેરાયેલા જૂથોએ લાકડીઓ, ધોકા અને ધારિયા જેવા ઘાતક હથિયારોથી એકબીજા પર હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતા અને તણાવ ફેલાયો હતો. લોહિયાળ અથડામણમાં બંને પક્ષના કુલ નવ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
ઘટનાની માહિતી મળતાં, સાયલાથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે તાત્કાલિક તમામ ઘાયલોને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે, ત્રણ ઘાયલોની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




