Gopal Italia News:જૂનાગઢ જિલ્લાના નવા નિયુક્ત કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા ફરિયાદ નિવારણ બેઠકમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને લગતા અનેક મહત્વના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે વર્ષ 2022-23, 2023-24 અને 2024-25 દરમિયાન અનેક ખેડૂતોને મળવાપાત્ર શૂન્ય ટકા વ્યાજની લોનની રિબેટ હજુ સુધી મળી નથી. આ મુદ્દે બેંક અધિકારીઓએ બાકી રહેલી ફાઈલો મંજૂરી માટે મોકલવાની ખાતરી આપી છે.
Gopal Italiaએ શાળાઓમાં પાઠ્યપુસ્તકોના અભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે શાળાઓ શરૂ થયાને લગભગ એક મહિનો થઈ ગયો હોવા છતાં અનેક તાલુકાઓમાં બાલવાટિકા, ધોરણ 1-2 અને માધ્યમિક કક્ષાના પુસ્તકો હજુ સુધી વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી. આ બાબતે તેમણે શિક્ષણ વિભાગ અને કલેક્ટર સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
વિસાવદર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોને ફાળવાયેલી જમીનોમાં ‘અનામત જંગલ જમીન’ની નોંધ દાખલ થતાં ખેડૂતોને લોન અને સરકારી યોજનાઓનો લાભ મળતો નથી. આ નોંધ દૂર કરવા અંગે પણ તેમણે રજૂઆત કરી હતી. ઉપરાંત હસનાપુર સહિતના સેટલમેન્ટ ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા, રેશનિંગ અનાજ સમયસર પહોંચાડવા, જૂનાગઢ-ભેસાણ રોડના ડાયવર્ઝન પ્રશ્નનો ઉકેલ લાવવા અને જંગલ માર્ગોના રિસરફેસિંગ જેવા મુદ્દાઓ પણ બેઠકમાં રજૂ કરાયા હતા.
તેમણે જણાવ્યું કે છોડવડી ગામના ખેડૂતોને વર્ષોથી બાકી રહેલા ‘નો ડ્યૂઝ’ પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેને તેમણે સકારાત્મક પગલું ગણાવ્યું. રાવણીકુબા ગામના રેવન્યુ રેકોર્ડમાંથી ગુમ થયેલી આશરે 900 નોંધોમાંથી 500 જેટલી નોંધો શોધી કાઢવામાં વહીવટી તંત્રને સફળતા મળી હોવાનું પણ તેમણે જણાવ્યું.
ગોપાલ ઇટાલિયાએ બેઠકમાં અનેક પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ તરફ પ્રગતિ નોંધાઈ હોવાનું જણાવતાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.




