CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં શિક્ષણના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને “શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬” અને “કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” અંગે માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા માટે અનેક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયોની જાહેરાત કરવામાં આવી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત ‘સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF)’ અને ‘સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF)’નું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ ‘નિપુણ ગુજરાત કાર્યક્રમ’નો પણ પ્રારંભ કરાયો.

શિક્ષણમાં 100% નામાંકનનો લક્ષ્ય

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં દરેક બાળકને શિક્ષણ સાથે જોડવા માટે 100 ટકા શાળા નામાંકનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે અધિકારીઓને ગામડાં સુધી પહોંચી વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવવાની અપીલ કરી.

તેમણે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ માત્ર કાર્યક્રમ નહીં પરંતુ એક “શિક્ષણ યજ્ઞ” છે, જે છેલ્લા 24 વર્ષથી સતત ચાલી રહ્યો છે. રાજ્યમાં ડ્રોપઆઉટ દર ઘટીને 1 ટકા સુધી પહોંચ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.

શિક્ષણની ગુણવત્તા પર ખાસ ભાર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બાળકોના શૈક્ષણિક વિકાસ સાથે તેમના સંસ્કાર, આરોગ્ય અને જીવનશૈલી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે શાળા પ્રવેશોત્સવને માત્ર સરકારી કાર્યક્રમ નહીં પરંતુ સામાજિક અભિયાન તરીકે જોવાની અપીલ કરી.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે ગુજરાતે સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમણે SCF, SQAAF અને નિપુણ ગુજરાત અભિયાનને શિક્ષણ ક્ષેત્રે નવા યુગની શરૂઆત ગણાવી.

ડેટા આધારિત શિક્ષણ વ્યવસ્થા પર ભાર

શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં બાલવાટિકા થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓનું ડેટા આધારિત મેપિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે.

આ સાથે 2026-27ના બજેટમાં મંજૂર 298 માધ્યમિક શાળાઓમાંથી 5 શાળાઓના જિલ્લા શિક્ષણાધિકારીઓને અધિકાર પત્રો પણ આપવામાં આવ્યા.

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ને રાજ્ય સરકારે શિક્ષણ સુધારણા માટેનું વિશાળ જનઆંદોલન ગણાવ્યું છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનો અને ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે દેશમાં અગ્રણી રાજ્ય બનાવવાનો છે.