Asim Munir News: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સરકાર વિરોધી આંદોલન સતત તેજ બની રહ્યું છે. વધતી મોંઘવારી, લોટ અને વીજળીના ભાવમાં થયેલા વધારા તેમજ આર્થિક મુશ્કેલીઓ સામે લોકોનો રોષ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ (JAAC)એ પાકિસ્તાની સેનાના વડા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને સીધો પડકાર ફેંક્યો છે.

રાવલકોટમાં યોજાયેલી જાહેર રેલી દરમિયાન JAACના નેતા સરદાર અમાને જણાવ્યું હતું કે જો પાકિસ્તાન PoKના લોકોને પૂરતી સેવાઓ અને આર્થિક સુવિધાઓ આપી શકતું ન હોય તો ભારત સાથે વેપાર માર્ગો ખોલવા અંગે વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે લોકોના હિતમાં તમામ વેપાર માર્ગો ખુલ્લા થવા જોઈએ, ભલે તે પાકિસ્તાન દ્વારા હોય કે ભારત દ્વારા.

PoKમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણો પણ થઈ છે. વિરોધી સંગઠનોનો આરોપ છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમની માંગણીઓને અવગણવામાં આવી રહી છે.

JAACના નેતાઓએ સ્થાનિક લોકોને પોતાના રાજકીય અને આર્થિક ભવિષ્ય અંગે નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ તેવી માંગ પણ ઉઠાવી છે. તેમણે પાકિસ્તાની સરકાર પર પ્રદેશના કુદરતી સંસાધનોના શોષણનો આરોપ લગાવતા કહ્યું કે સ્થાનિક વિકાસ માટે પૂરતું રોકાણ કરવામાં આવતું નથી.

આ દરમિયાન PoKમાં શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવેલી 12 વિધાનસભા બેઠકોને લઈને પણ વિવાદ વધ્યો છે. JAACનું કહેવું છે કે આ બેઠકોનો ઉપયોગ પ્રદેશની રાજકીય વ્યવસ્થા પર પ્રભાવ જમાવવા માટે કરવામાં આવે છે. સંગઠને અનામત બેઠકોની વ્યવસ્થાની સમીક્ષા કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે PoKમાં આગામી 27 જુલાઈએ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પહેલાં વધતા વિરોધ અને રાજકીય તણાવને કારણે પ્રદેશની સ્થિતિ પર સૌની નજર ટકેલી છે.