Isudan Gadhvi News: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજ લાઈનો અને ટાવર પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં વધી રહેલા અસંતોષ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓના સંકલનથી ખેડૂતોની જમીનોમાં પૂરતી સંમતિ અને યોગ્ય વળતર વિના હાઈ ટેન્શન વીજ લાઈનો તથા ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે.

Isudan Gadhviએ જણાવ્યું કે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા અને રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમની રજૂઆતો સાંભળવાને બદલે સરકાર પોલીસ બળનો ઉપયોગ કરીને આંદોલનોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે ખેડૂતોને પોતાના જ ખેતરોમાં જવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

AAP નેતાએ સરકારને પ્રશ્ન પૂછતા જણાવ્યું કે જ્યારે ખાનગી કંપનીઓ એરપોર્ટ પાર્કિંગ અને મોબાઈલ ટાવર માટે ભાડું વસૂલે છે, ત્યારે ખેડૂતોની જમીનમાં વર્ષો સુધી ઉભા રહેતા વીજ ટાવરો અને ટ્રાન્સમિશન લાઈનો માટે ખેડૂતોને યોગ્ય વળતર કેમ મળતું નથી? તેમણે દાવો કર્યો કે કંપનીઓ કરોડો રૂપિયાનો નફો કમાઈ રહી છે, જ્યારે ખેડૂતોને તેમના હક્કનો લાભ મળતો નથી.

ઇસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કલેક્ટરની અધ્યક્ષતામાં બનતી સમિતિમાં ખેડૂતોના પ્રતિનિધિઓને સ્થાન આપવાની માંગ કરી છે. ઉપરાંત રાજ્ય સ્તરે વિષય નિષ્ણાતો, ખેડૂત આગેવાનો અને નિવૃત્ત ન્યાયાધીશોને સામેલ કરીને સ્વતંત્ર વળતર સમિતિ રચવાની પણ માંગણી કરી છે.

તેમણે જણાવ્યું કે માત્ર એક વખતનું વળતર પૂરતું નથી. જમીનની ભાવિ કિંમત, કંપનીઓનો નફો અને ખેડૂતોને થતા લાંબા ગાળાના નુકસાનને ધ્યાનમાં રાખીને વળતરની નવી વ્યવસ્થા બનાવવી જોઈએ. સાથે જ પ્રોજેક્ટોની સંપૂર્ણ માહિતી જાહેર કરવી, ગ્રામ પંચાયતની મંજૂરી મેળવવી અને ખેડૂતોને યોગ્ય રીતે વિશ્વાસમાં લેવા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.

AAPએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો પક્ષ રાજ્યભરમાં કિસાન મહાપંચાયત યોજશે અને ખેડૂતોના હિત માટે આંદોલન પણ કરશે. ઇસુદાન ગઢવીએ દાવો કર્યો કે ગુજરાતનો કોઈપણ ખેડૂત વિકાસનો વિરોધ કરતો નથી, પરંતુ વિકાસની કિંમત ખેડૂતોના અધિકારો અને હિતોને નુકસાન પહોંચાડીને ન ચૂકવવી જોઈએ.