Ahmedabad: અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં થોડા દિવસ પહેલા લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાથી મૃતકના પરિવારમાં ભારે રોષ છે. ન્યાયની માંગણી સાથે પરિવારના સભ્યો કામદારના મૃતદેહ સાથે સીધા કંપનીના મુખ્યાલય પહોંચ્યા હતા, જેના કારણે વિસ્તારમાં તંગદિલીભરી પરિસ્થિતિ સર્જાઈ હતી.
સારવાર દરમિયાન રમેશ પરમારે અંતિમ શ્વાસ લીધા હતા.
અહેવાલો અનુસાર, નરોડા GIDC કંપનીમાં લાગેલી આગમાં રમેશ પરમાર નામના કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ લાંબી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રમેશના મૃત્યુના સમાચાર મળતાં જ તેમના પરિવારમાં શોક અને ગુસ્સો છવાઈ ગયો હતો.
પરિવારે કંપનીના ગેટ પર તેમનો મૃતદેહ છોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મૃતક રમેશ પરમારનો પરિવાર તેમનો મૃતદેહ લઈને કંપનીમાં પહોંચ્યો હતો. પરિવારનો આરોપ છે કે કંપની મેનેજમેન્ટે આ ગંભીર મામલે હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી, કે પરિવારને કોઈ આર્થિક સહાયની ખાતરી આપી નથી. પરિવારે મેનેજમેન્ટના ઉદાસીન વલણ સામે વિરોધ દર્શાવ્યો હતો.
પરિવારે કંપની મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “કંપનીમાં આગ સંપૂર્ણપણે મેનેજરોની બેદરકારીને કારણે લાગી હતી. કંપનીના કર્મચારીઓને પૂરતા સલામતી સાધનો પૂરા પાડવામાં આવ્યા ન હતા, જેના કારણે આ અકસ્માતમાં એક કર્મચારીનું મોત થયું હતું. યોગ્ય સલામતીના પગલાં લેવામાં આવ્યા હોત તો રમેશભાઈનું મૃત્યુ અટકાવી શકાયું હોત.” હાલમાં, પરિવાર પૂરતું વળતર અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. આ ઘટના બાદ, સ્થાનિક પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.




