Amit Chavda News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનં આંકલાવના ધારાસભ્ય માનનીય અમિતભાઈ ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ઉગ્ર વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે, તેમના મત વિસ્તારના સારસા ગામ તાલુકો આણંદ એ સમગ્ર વિસ્તારમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ ગામ છે. ગામના સર્વ સમાજના લોકો દ્વારા હંમેશા વિકાસના કોઈપણ કાર્યમાં સહભાગી થઈને સમર્થન આપ્યું છે. પરંતુ જે સારસા ગામના સીટી સર્વે નંબર:NA1383/1 તથા રેવન્યુ સર્વે/બ્લોક નંબર 1365+1369+1370/1 ખાતે ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે, તેની સામે ગામના લોકો અને આજુબાજુના ગામના લોકોનો ઉગ્ર વિરોધ છે. ઇથેનોલ પ્લાન્ટના કારણે સમગ્ર વિસ્તારમાં હવા, પાણી તેમજ જમીનના પ્રદૂષણ થી લોકોના આરોગ્યને મોટું નુકસાન થશે.

આ સમગ્ર વિસ્તારની જમીન જે ખૂબ જ ફળદ્રુપ છે અને ભૂગર્ભ જળ પણ ખૂબજ સારા છે તે પ્રદૂષિત થશે તેના કારણે સ્થાનિક રહીશોના આરોગ્યને પણ મોટું જોખમ ઉભું થશે. સમગ્ર વિસ્તાર ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે, હવા, પાણી, જમીનના પ્રદૂષણ થી લોકોને આર્થિક રીતે પણ મોટું નુકસાન થશે. અમે સમગ્ર ગામ અને તાલુકાના લોકો સાથે મળીને આ પ્રોજેક્ટને મંજૂરી આપવા સામે ઉગ્ર વિરોધ કરીએ છીએ.આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.