Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પેપર લીક અને ગડબડીના મુદ્દાઓમાં કેન્દ્ર સરકારના ઢીલા વલણ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સાથે જ તેમણે દેશની જનતાને રસ્તા પર ઉતરવાની અપીલ કરતાં કહ્યું કે પોતાના બાળકો, પરિવાર અને દેશ માટે એકજૂટ થઈને સરકાર પાસે માંગ કરો કે બસ, હવે વધુ નહીં સહીએ. તેમણે કહ્યું કે પેપર લીક અબજો-ખરબોનો ધંધો છે. આ ધંધામાં ઘણા મોટા મોટા લોકો સામેલ છે. જ્યાં સુધી તમે બધા લોકો રસ્તા પર ઉતરીને સરકારને મજબૂર નહીં કરો, ત્યાં સુધી આ ધંધો બંધ નહીં થાય અને આવતા વર્ષે ફરીથી આવા જ તમામ પેપરોમાં ગડબડી થશે.

શુક્રવારે અરવિંદ કેજરીવાલે X પર એક વીડિયો સંદેશમાં કહ્યું કે પેપર લીક અબજો-ખરબોનો ધંધો છે અને તેમાં ઘણા મોટા મોટા લોકો સામેલ છે. આ પેપર લીક બંધ કેમ નથી થઈ રહ્યું? દર બે-ત્રણ વર્ષે પેપર લીક થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે પંજાબમાં ચાર વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે. આ ચાર વર્ષમાં એક પણ પેપર લીક થયું નથી. કોઈપણ પેપરમાં કોઈ ગડબડી થઈ નથી. અમે દિલ્હીમાં પણ 10 વર્ષ સરકાર ચલાવી. દિલ્હીમાં પણ કોઈ પેપર લીક થયું નથી. કોઈપણ પેપરમાં કોઈ ગડબડી થઈ નથી. પરંતુ કેન્દ્ર સરકારના દરેક પેપરમાં ગડબડી થઈ રહી છે. દરેક પેપર લીક થઈ રહ્યું છે, કોઈ ને કોઈ ગડબડી થઈ રહી છે. આ બધું નિયતનો પ્રશ્ન છે. તેમની નિયત ખરાબ છે અને અમારી નિયત સાફ છે.

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે પેપર લીકના બે ઉદાહરણ લઈ શકાય. પહેલું, CBSEનું પેપર. OSMનો ઠેકો એવી કંપનીને આપવામાં આવ્યો, જેણે તેલંગાણાના પેપરોમાં ભારે ગડબડી કરી હતી. તેલંગાણામાં પરીક્ષામાં તે કંપનીએ એટલી ગડબડી કરી હતી કે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. તેની ગડબડીઓના કારણે તેલંગાણામાં 20થી વધુ બાળકોએ⁰ આત્મહત્યા કરી લીધી હતી અને તે કંપનીને કેન્દ્ર સરકારે આખા દેશનો ઠેકો આપી દીધો કારણ કે કેન્દ્ર સરકારની નિયત ખરાબ હતી. તેનું પરિણામ એ આવ્યું કે લાખો બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે હજુ સુધી તે0 કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી અને ન તો કોઈ FIR થઈ છે અને ન તો કોઈની ધરપકડ થઈ છે. ફક્ત એક કમિટી બનાવી દેવામાં આવી છે. કમિટી પોતાનું કામ કરતી રહેશે. CBSEના ચેરમેનને હટાવીને તેમને કૃષિ સચિવ બનાવી દેવામાં આવ્યા. બસ, આ સિવાય કોઈની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. તેનો અર્થ એ છે કે સમગ્ર કૌભાંડ પર પડદો પાડવામાં આવી રહ્યો છે અને કૌભાંડીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવતા વર્ષે પણ તેમને પેપર લીક કરવા છે અને આવતા વર્ષે પણ OSMમાં ગેરરીતિ કરવી છે. આ અબજો-ખરબોનું કૌભાંડ છે અને તેમની નિયત ખરાબ છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે બીજું ઉદાહરણ NEETના પેપરનું લઈ શકાય. મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે પેપર સેટિંગના તબક્કે પેપર લીક થયું. અને તેનો ઉકેલ સરકાર એ કાઢી રહી છે કે હવે પેપરોનું પરિવહન એરફોર્સના વિમાનો દ્વારા કરવામાં આવશે. જો પેપર સેટિંગ દરમિયાન પેપર લીક થયું છે, તો પેપરને વિમાન દ્વારા ટ્રાન્સપોર્ટ કરવાથી પેપર લીક કેવી રીતે અટકશે? હકીકતમાં તેમને પેપર લીક રોકવું જ નથી. સમગ્ર કૌભાંડ પર પડદો પાડવામાં આવી રહ્યો છે અને કૌભાંડીઓને બચાવવામાં આવી રહ્યા છે, કારણ કે આવતા વર્ષે ફરી પેપર લીક કરવાના છે અને ફરી અબજો-ખરબો રૂપિયા કમાવવાના છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે પેપર લીક બહુ મોટો ધંધો છે અને આ ધંધામાં ઘણા મોટા મોટા લોકો સામેલ છે. જ્યાં સુધી બધા લોકો મળીને અવાજ નહીં ઉઠાવે અને રસ્તા પર નહીં ઉતરે, ત્યાં સુધી આ સિસ્ટમ બદલાવાની નથી. તમારે બધાએ મળીને અવાજ ઉઠાવવો પડશે અને સરકારને મજબૂર કરવી પડશે કે સરકાર આ સમગ્ર સિસ્ટમને સુધારે, નહીં તો આ ક્યારેય સુધરવાની નથી.