Governor Acharya Devvrat News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મુક્યો હતો. રાજ્યપાલએ જણાવ્યું કે રાજ્યમાં જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે તેમના ઉત્પાદનોના વેચાણ માટે એક મહિનાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે 5, જિલ્લા સ્તરે 3 અને તાલુકા સ્તરે 1 નવા કાયમી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ થવા જોઈએ.

આજે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી આપણી જમીન, પાણી અને ખોરાક ઝેરીલા બની રહ્યા છે. આપણે ધરતી માતાને ફરીથી જીવંત કરવી પડશે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ તે ધરતી માતાને બચાવવાનું અને આવનારી પેઢીને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી મુક્ત રાખવાનું એક અભિયાન છે.

Governor Acharya Devvratએ વીજળી અને ઈંધણની બચત અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું કે ગુજરાત લોકભવનના પ્રયાસોથી સમગ્ર રાજ્યમાં સ્ટ્રીટ લાઈટ શરૂ અને બંધ કરવાના સમયમાં ફેરફાર થતા અંદાજે રૂપિયા 25 કરોડથી વધુની વીજળીની બચત કરવામાં આવી છે. રાજ્યપાલએ કહ્યું કે સૂર્યોદયના 35 મિનિટ પહેલા સ્ટ્રીટ લાઈટ બંધ કરવી અને સૂર્યાસ્તના 35 મિનિટ પછી ચાલુ કરવી જોઈએ.

રાજ્યપાલએ કહ્યું કે દેશના કિંમતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ દરેક નાગરિક અને સરકારી તંત્રની નૈતિક જવાબદારી છે. રાજ્યપાલએ તમામ ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં ઉર્જા સંરક્ષણ અને ઈંધણની બચત અંગે જનજાગૃતિ લાવે અને પોતે પણ આ બાબતે આદર્શ ઉદાહરણ પૂરું પાડે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિડિયો કોન્ફરન્સમાં જોડાયેલા જિલ્લા અને મહાનગરોના વહિવટી વડાઓને પ્રાકૃતિક ખેતી તરફ 100 ટકા ખેડૂતોને વાળવા માટે આ અભિયાનને મિશન મોડમાં ઉપાડવા સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને ફાયદા સાયન્ટીફિકલી સમજાવીને આપણે આ મિશન પાર પાડી શકીશું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમય કરતા આગળનું વિચારીને પ્રાકૃતિક ખેતીને માનવ જીવનના સ્વાસ્થ્ય માટે મોટા પાયે અપનાવવાનું આહવાન કર્યુ છે. એટલુ જ નહિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ગામે-ગામ જઈને ખેડૂતો સાથે પ્રત્યક સંવાદ અને તેમના ખેતરોની મૂલાકાત લઈને પ્રાકૃતિક ખેતીના જન આંદોલનમાં વધુને વધુ ખેડૂતો જોડી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને કહ્યુ કે, જો આ પ્રાકૃતિક ખેતીને સ્વાંત: સુખાય અન્વયે વ્યક્તિગત પ્રોજેક્ટ તરીકે તેઓ અપનાવશે તો મોટા સમુહને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને પ્રજા સેવક તરીકેનો તેમનો જન સેવાનો હેતુ અવશ્ય પાર પડશે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સંવાદ બેઠકના આયોજનના પ્રેરણાસ્ત્રોત રાજ્યપાલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી એ હવેના સમયની માંગ છે ત્યારે જિલ્લાના વહિવટી વડાઓને પ્રાકૃતિક ખેતીના બ્રાન્ડ એમ્બેસેડર એવા રાજ્યપાલનું અમૂલ્ય માર્ગદર્શન આ વિડિયો કોન્ફરન્સ સંવાદથી મળશે.

તેમણે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટેના વેચાણ કેન્દ્રોની શરૂઆત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત મળી રહેલા સહયોગની પણ પ્રસંશા કરતા કહ્યુ કે, ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીન અને માનવી બેયના સ્વાસ્થ્યને જે હાનિ થાય છે તેનો તારણોપાય પ્રાકૃતિક ખેતી જ છે.

જીતુભાઈ વાઘાણીએ જિલ્લાના આ વરિષ્ઠ અધિકારીઓને તેમના નિવાસ સ્થાનની ખુલી જગ્યામાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરવાની પણ અપિલ કરી હતી.

આ વિડિયો કોન્ફરન્સમાં કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા, મુખ્ય સચિવ એમ.કે.દાસ, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના તથા કૃષિ નિયામક કચેરીના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.