PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સુરત ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સહયોગથી ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને માળખાકીય વિકાસને નવી દિશા આપશે.

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) હેઠળ ₹1,063.43 કરોડના કુલ 8 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ભરૂચ જિલ્લામાં ₹894 કરોડથી વધુના 6 પ્રોજેક્ટ્સ અને વલસાડ જિલ્લામાં ₹169.3 કરોડના 2 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

ભરૂચ જિલ્લાના દહેજ PCPIR વિસ્તારમાં ₹474.61 કરોડના ખર્ચે 90 MLD ક્ષમતાની ઑફશોર અને ઑનશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇન તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીના નિકાલ અને પર્યાવરણીય વ્યવસ્થાપનને વધુ મજબૂતી મળશે.

જંબુસર સ્થિત બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોના વિકાસને વેગ આપશે.

વડાપ્રધાન દહેજ-2 ઔદ્યોગિક વસાહતમાં 30 MLD ક્ષમતાના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત પાનોલી વિસ્તરણ ઔદ્યોગિક વસાહતમાં રોડ, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ અને અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે.

અંકલેશ્વરમાં એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશન અને દહેજ-1 ઔદ્યોગિક વસાહતમાં નેચરલ ડ્રેઇન-2ના અપગ્રેડેશન જેવા પ્રોજેક્ટ્સ પણ લોકાર્પિત થશે.

વલસાડ જિલ્લાના સરીગામ ખાતે ₹169 કરોડથી વધુના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની ક્ષમતા 15 MLDથી વધારીને 25 MLD કરવામાં આવી છે. આ ઉપરાંત સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સાથે HDPE ઑનશોર અને ઑફશોર આઉટફૉલ પાઇપલાઇનનું નિર્માણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ તમામ વિકાસકાર્યો દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડ્રેનેજ, પ્રદૂષિત પાણીના નિકાલ અને પર્યાવરણ સંરક્ષણની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેમજ ઉદ્યોગોને વિકાસ માટે નવી તકો પ્રદાન કરશે