AAP News: દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. અધૂરામાં પૂરું ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ ફરી એકવાર હેલ્મેટના નિયમ સરકારી કર્મચારીઓ માટે અને જાહેર જનતા માટે એક મહિના સુધી ઝુંબેશ ચલાવવાની અચાનક શરૂઆત કરતા લોકોમાં કચવાટ પેદા થઈ રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કો ઓર્ડીનેટર ચિત્રેશ અનાજવાલાએ સરકારને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી જીતી ગઈ છે તેથી હવે તેને મતદારોની જરૂર નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર અચાનક જ 993 રૂપિયા વધારી સરકારે સાબિત કરી દીધું કે તે ફક્ત તાનાશાહી જ ચલાવવા માંગે છે. જનતાની કંઇ પડી નથી.
’AAP‘ પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 1380 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે માત્ર ત્રણ મહિનામાં કિંમત 81 ટકા વધારાઈ છે. આ વધારાની અસર ચાની દુકાન, હોટલ – રેસ્ટોરન્ટ, બેકરી અને મિઠાઈ સહિતની દુકાનો તેમજ કેટરર્સ પર પણ પર પડશે. આ જ કારણે સામાન્ય લોકોનું ભોજન મોંઘી થઈ જશે. આની સીધી અસર મધ્યમ વર્ગ અને શ્રમિકો પર પડશે. હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે, જેને કારણે જેમના ઘરે પ્રસંગ છે તેઓનું કેટરિંગનું બિલ પણ ખોરવાશે. હાલના મોંઘવારીના કપરા કાળમાં સરકારે ગરીબ – મધ્યમ વર્ગ અને શ્રમિકોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તેને બદલે ’પડતા પર પાટુ’ મારવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે.
’ફરજિયાત હેલ્મેટ’ ના નિયમના પરિપત્ર અંગે ચિત્રેશ અનાજવાલાએ સરકારને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ચૂંટણી પછી જ સરકારને હેલ્મેટના નિયમો યાદ આવ્યાં. અત્યાર સુધી ’સબ સલામત’ ના ખોખલા બણગા ફૂંકતી ભાજપ સરકાર ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને લૂંટવામાં કોઈ કચાશ રાખતી નથી તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ એક પ્રકારનું ’ચૂંટણી વસૂલી બિલ’ છે જે ચૂંટણી પછી જનતા પાસેથી વસુલવામાં આવી રહ્યું છે.
’આપ’ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ સરકારને ગેસનો તોતિંગ ભાવ વધારો પાછો ખેંચવા અને હેલ્મેટ વાળા પરિપત્રથી રાહત આપવા જણાવ્યું હતું.




