Gopal Italia News: આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય Gopal Italiaની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 13 અને વોર્ડ નં. 4 ખાતે વિજય વિશ્વાસ સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને કાર્યકરો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સભાને સંબોધન કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અન્ય પાર્ટીઓના નેતાઓ માત્ર ચૂંટણી સમયે આવે છે, લોકો વચ્ચે દેખાવ કરે છે અને પછી પાંચ વર્ષ સુધી નજરે પડતા નથી. તેમણે લોકોને સંબોધતા જણાવ્યું કે નાના લાલચમાં આવીને મત આપવાની પરંપરા બદલવાની જરૂર છે, કારણ કે મત આપ્યા પછી પાંચ વર્ષ સુધી લોકોના પ્રશ્નો યથાવત રહે છે. આ વખતે મતદારોને સમજદારીપૂર્વક નિર્ણય લેવા અપીલ કરવામાં આવી. ગોપાલ ઇટાલિયાએ શહેરના વિકાસ મુદ્દે સરકાર પર તીખા પ્રહાર કરતાં જણાવ્યું કે રાજકોટના યુવાનો માટે યોગ્ય શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આધુનિક લાઇબ્રેરી જેવી સુવિધાઓ હોવી જોઈએ. સરકાર થોડા ખર્ચે સેન્ટ્રલ એસી, ડિજિટલ સુવિધાઓ અને પુસ્તકો સાથે આધુનિક લાઇબ્રેરી ઉભી કરી શકે, જ્યાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરી શકે. પરંતુ સરકાર પાસે આવા કોઈ દ્રષ્ટિકોણ નથી અને ભાજપના નેતાઓ માત્ર ટિકિટ મેળવવા અને ચૂંટણી જીતવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

Gopal Italiaએ વધુમાં જણાવ્યું કે શહેરના વિકાસ માટે લાંબા ગાળાનું આયોજન ખૂબ જરૂરી છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં કોઈ યોગ્ય પ્લાનિંગ જોવા મળતું નથી. તેમણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું યોગ્ય અભ્યાસ કર્યા વગર બાંધકામ થવાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે. પરિણામે લોકો પોતાની મહેનતની કમાણીથી ખરીદેલા મકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સહન કરે છે, જ્યારે જવાબદાર લોકો તેનો લાભ લઈ શહેર છોડીને ચાલ્યા જાય છે. ગોપાલ ઇટાલિયાએ રાજકીય પરિસ્થિતિ અંગે પણ આક્ષેપ કરતાં જણાવ્યું કે ભાજપ દ્વારા રાજકારણમાંથી સાચ્ચા અને ઈમાનદાર લોકોને દૂર કરી દેવામાં આવ્યા છે અને ગુંડાગીરી તથા દબાણની રાજનીતિ વધી રહી છે. તેમણે કહ્યું કે આજે એવા નેતાઓ ઓછા છે, જેમને મળવાનું, વાત કરવાનો કે વિશ્વાસ રાખવાનો મન થાય. રાજકોટના લોકોને અપીલ કરતાં જણાવ્યું કે તેઓ પોતાના શહેરના ભવિષ્ય અંગે વિચાર કરે અને આ વખતે આમ આદમી પાર્ટીને એક તક આપે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આમ આદમી પાર્ટી રાજકોટ શહેરને આગામી 20 વર્ષના વિઝન સાથે આયોજનબદ્ધ રીતે વિકસાવી શકે છે અને નાના માણસથી લઈને મોટા માણસ સુધી દરેકને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે છે. તેમણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગુજરાતની નંબર વન કોર્પોરેશન બનાવવા માટે લોકોના આશીર્વાદની જરૂરિયાત વ્યક્ત કરી.