Gandhi Dham Congress Manifesto: કચ્છના ગાંધીધામ શહેરમાં કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. શહેરના આગેવાનો અને પક્ષના કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આ મેનિફેસ્ટો રજૂ થયો હતો. ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ લોકો પાસેથી મળેલા સૂચનોના આધારે આ મેનિફેસ્ટો તૈયાર કરાયો હોવાનું પક્ષે જણાવ્યું.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે આ મેનિફેસ્ટો માત્ર વચનોનો દસ્તાવેજ નહીં પરંતુ જનતા સાથેનું સીધું કમિટમેન્ટ છે. ‘જનમંચ’ જેવી પહેલ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપી, તે આધારે શહેરના વિકાસ માટેનું વિઝન તૈયાર કરવામાં આવ્યું છે.
આરોગ્ય ક્ષેત્રે મોટા વચનો
કોંગ્રેસે શહેરના દરેક વોર્ડમાં આધુનિક મ્યુનિસિપલ હેલ્થ સેન્ટરો બનાવવાની જાહેરાત કરી છે. અહીં નિષ્ણાત ડોક્ટરો સાથે એક્સ-રે, સીટી સ્કેન અને બ્લડ ટેસ્ટ જેવી સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાશે. સિનિયર સિટિઝનોને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે, સાથે 24×7 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનો પણ વાયદો કરાયો છે.
નગરરચના અને મૂળભૂત સુવિધાઓ
શહેરમાં ગેસ પાઈપલાઈન નેટવર્ક, શુદ્ધ પીવાનું પાણી અને ગટર વ્યવસ્થામાં સુધારા માટે ખાસ આયોજન કરાશે. ટાઉન પ્લાનિંગના નિર્ણયો પહેલા સ્થાનિક લોકોના સૂચનોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ટેક્સ રાહત અને રોજગાર
નવા વિસ્તારોને પાયાની સુવિધાઓ મળ્યા સુધી ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક યુવાનોને રોજગારમાં પ્રાથમિકતા આપવામાં આવશે. લારી-ગલ્લા અને ફેરિયાઓ માટે ‘વેન્ડર ઝોન’ બનાવવાની યોજના પણ રજૂ થઈ છે.
વડીલો અને સામાજિક કલ્યાણ
સિનિયર સિટિઝનો માટે ‘સિનિયર સિટિઝન કાર્ડ’ આપીને મફત મુસાફરી, દવાઓ અને મેડિકલ ટેસ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ દરેક વિસ્તારમાં વડીલો માટે સહાયતા કેન્દ્રો બનાવાશે.
પશુ કલ્યાણ પર ધ્યાન
રસ્તા પર રઝળતા પશુઓ માટે દરેક ઝોનમાં આધુનિક ‘નંદી શાળા’ બનાવવાનો પણ મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતાઓએ અંતે કહ્યું કે, “આ મેનિફેસ્ટો અમારું જનતા સાથેનું વચન છે, અને સત્તામાં આવ્યા બાદ તેને પૂર્ણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.





