Isudan Gadhvi News: આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે એક ઓડિયો ક્લિપ હાલમાં વાયરલ થઈ છે જેમાં હું કહી રહ્યો છું કે સારા ઉમેદવારો હોય તેમના ઘરે જઈને તેમને રાજનીતિમાં લાવો અને જરૂર પડે તો તેમના પગે પણ પડો. આ વાત હું સ્વીકારું છું કે મેં જ કહી છે, અને એ માટે કહી છે કે માત્ર ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવાથી રાજનીતિ બદલાશે નહીં. અમને એવા હજારો લોકો જોઈએ છે જે ગુજરાત માટે કામ કરવાની ઈચ્છા રાખે છે. ભણેલા, ગણેલા, હોશિયાર અને સજજન લોકો રાજનીતિમાં આવે એ ખૂબ જરૂરી છે. લોકો રાજનીતિમાં આવવાથી દૂર રહે છે કારણ કે તેમને ડર છે કે રાજનીતિ ગંદી છે, ખોટા કેસમાં ફસાવવામાં આવશે, પરિવારને ધમકાવવામાં આવશે. એટલા માટે હું કાર્યકર્તાઓને કહી રહ્યો છું કે ઘરે ઘરે જઈ સારા સજજન લોકોને ચૂંટણી લડવા માટે તૈયાર કરો. આગળ તેમણે જણાવ્યું કે ઘણા ફોર્મ આવ્યા છે જેમાં ક્રિમિનલ અને ગુંડા તત્વો પણ હતા, પરંતુ અમે એવા કોઈને ટિકિટ આપી નથી. તેના બદલે સજ્જન લોકોને ઘરે જઈને મનાવવામાં આવ્યા છે, અને અનેક ભણેલા-ગણેલા સામાજિક આગેવાનોને આ ચૂંટણીમાં તક આપવામાં આવી છે.
AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે સાથે સાથે 22-23 વર્ષના નવયુવાનોને પણ મોકો આપવામાં આવ્યો છે. અમે ભાજપ કોંગ્રેસની જેમ ગુંડા, લુખ્ખા અને લફંગાઓને ટિકિટ આપી રાજનીતિ કરવા માંગતા નથી, અને એ માટે જ મેં આ શબ્દોનો ઉપયોગ કર્યો છે. આજે પણ હું ગુજરાતની જનતાને કહેવું છું કે સારા સજ્જન લોકો રાજનીતિમાં આવવું ખૂબ જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે જરૂર પડે તો કાર્યકર્તાઓએ ઉમેદવારોને સમજાવવા માટે પગે પણ પડવું જોઈએ, પરંતુ ખરાબ લોકોને ટિકિટ આપવી નહીં. જો જરૂર હોય તો મને પણ કહેજો, હું પણ આવીને પગે પડીશ. કારણ કે રાજનીતિમાં બદલાવ લાવવો હોય તો હજારો ક્રાંતિકારી અને ક્રાંતિવીરોની જરૂર છે, જે ભણેલા, સમજદાર અને ગુજરાત માટે કંઈક કરવાની લાગણી ધરાવતા હોય. ભ્રષ્ટાચાર વિરોધી માનસિકતા ધરાવતા આવા લોકોને રાજનીતિમાં લાવવાથી જ સાચુ પરિવર્તન શક્ય બનશે.





