Isudan Gadhvi News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને જોઈને પાર્ટીનું કદ પણ વધી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓની સાથે સામાજિક આગેવાનો પણ આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ Isudan Gadhviની આગેવાનીમાં પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા છે. આ તકે મીડિયા સાથે વાત કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જનતાની ઉમ્મીદ બની ગઈ છે. અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિને કારણે ગુજરાતના સાત કરોડ નાગરિકો આમ આદમી પાર્ટીને આશા તરીકે જોઈ રહ્યા છે. અનેક સામાજિક અને રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને કામની રાજનીતિ સાથે જોડાઈ રહ્યા છે.
આપ નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે આજે જે રીતે ભાજપનો ભોગ બનેલા અને ક્ષત્રિય સમાજના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને પાર્ટીમાં જોડાયા છે, તેમને હું આવકારું છું. તેમના પરિવારજનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી હંમેશા તે લોકોનું સ્વાગત કરે છે જે સરકારની તાનાશાહી અને સિસ્ટમનો ભોગ બન્યા છે. 2024ની ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલનમાં મહિલાઓ સાથે થયેલા વર્તનને લોકો ભૂલ્યા નથી અને હવે તેનો જવાબ આપવાનો સમય આવી ગયો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે મહિલાઓ માટે જે યોજનાઓ શરૂ કરી છે તે પણ પ્રેરણાદાયક છે, જેમાં મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં પણ ગરીબ, મધ્યમ વર્ગ અને ખાસ કરીને મહિલાઓમાં આ અંગે આશા વધી રહી છે અને વધુ સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.





