Gujarat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં આદર્શ આચારસંહિતાના ગંભીર ઉલ્લંઘનો અંગે કડક ચિંતા વ્યક્ત કરી છે.
હેમાંગ રાવલે જણાવ્યું કે ભારતના બંધારણ મુજબ રાજ્ય ચૂંટણી આયોગની ફરજ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની છે, પરંતુ રાજ્યમાં વિવિધ સરકારી અને અર્ધસરકારી વિભાગો દ્વારા આદર્શ આચારસંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે શાસક પક્ષના પ્રભાવ હેઠળ નિયમોનું પાલન યોગ્ય રીતે થતું નથી.
તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોમાં સરકારની યોજનાઓ સાથે રાજકીય નેતાઓના ફોટા હજુ પણ દેખાઈ રહ્યા છે, જે પરોક્ષ પ્રચાર સમાન છે. આ સિવાય બેંકો, ATM, જન ઔષધી કેન્દ્રો અને સરકારી યોજનાઓના બોર્ડ પર પણ નેતાઓના ફોટા યથાવત્ હોવાનું તેમણે જણાવ્યું.
કોંગ્રેસે વધુમાં દાવો કર્યો કે શહેરોની દીવાલો પર શાસક પક્ષના ચિહ્નો, સરકારી વેબસાઈટ્સ પર વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા, તેમજ શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓમાં રાજકીય પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી નથી. આ તમામ બાબતો આદર્શ આચારસંહિતાના ભંગ તરીકે ગણાવી શકાય છે.
હેમાંગ રાવલે ચૂંટણી આયોગ પર નિશાન સાધતા કહ્યું કે માત્ર આચારસંહિતા જાહેર કરવી પૂરતી નથી, પરંતુ તેનો કડક અમલ સુનિશ્ચિત કરવો જરૂરી છે. તેમણે રાજ્યવ્યાપી મોનિટરિંગ સિસ્ટમ, જિલ્લા સ્તરે વિશેષ ટીમો અને 24 કલાકની રિપોર્ટિંગ વ્યવસ્થા શરૂ કરવાની માંગણી કરી.
અંતમાં કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો પાર્ટી લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણી જાળવવા માટે વધુ કડક પગલાં લેવા મજબૂર થશે.





