Arvind Kejriwal Gujarat Visit: આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા, વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઇ સતાસીયા, જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમરેલીના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં તમામ જાતિઓ ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલીમાં યોજાયેલી સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશનું મંદિર છે, તેથી આજે હું સૌરાષ્ટ્રની ધરતી પર આશીર્વાદ લેવા આવ્યો છું. ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારથી લોકોને મુક્તિ મળે તેવા આશીર્વાદ માટે હું અહીં આવ્યો છું. સૌરાષ્ટ્રની 48 સીટોમાંથી 40 સીટ તમે ભાજપને આપી, પરંતુ બદલામાં તમને શું મળ્યું? ધક્કા મળ્યા, ગાળો મળી, અપમાન મળ્યું, ડંડા મળ્યા, જેલ મળી. છેલ્લા 30 વર્ષમાં ભાજપે શું આપ્યું? રસ્તા બનાવે છે તો 2 દિવસમાં તૂટી જાય છે, મોરબીનો પુલ તૂટી ગયો અને બીજા ઘણા પુલ તૂટી ગયા, તો આ બધાના પૈસા ક્યાં જાય છે? મને કેટલાક ખેડૂત મળ્યા જેમણે કહ્યું કે તેમની મગફળીનો પાક બરબાદ થઈ ગયો હતો અને ત્યારબાદ સરકારે 10000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પરંતુ સાંભળવામાં આવ્યું કે ખેડૂતોને પૈસા મળ્યા નથી. તો મારો સવાલ છે કે એ 10000 કરોડ ક્યાં ગયા? ખાઈ ગયા આ લોકો 10000 કરોડ? જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ જેવી કોઈપણ વસ્તુ માટે પૈસા આપવા પડે છે. તમે લોકો 30 વર્ષથી અલગ અલગ પાર્ટી અને નેતાઓને મત આપતા આવ્યા, પરંતુ તમને કંઈ મળ્યું નથી કારણ કે તે નેતાઓ કોઈના સગા નથી, તેથી મારી અપીલ છે કે આ વખતે તમે પોતાને મત આપો અને પોતાની જનતાની સરકાર બનાવો.
આગળ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ જણાવ્યું કે, પંજાબમાં પણ જનતાની સરકાર બની છે. આમ આદમી પાર્ટી કોઈ સામાન્ય પાર્ટી નથી, તે એક આંદોલન છે, દેશને પ્રગતિ તરફ લઈ જવાનું નામ છે. ભગવંત માન કોઈ નેતા નથી પરંતુ ખેડૂતનો દીકરો છે. મારા પિતાજી, ઈસુદાન ગઢવીના પિતાજી કે ગોપાલ ઇટાલિયાના પિતાજી કોઈ નેતા ન હતા. અમે બધા તમારા બાળકો છીએ, અમે સામાન્ય લોકો છીએ. પંજાબમાં અમારા 96 ધારાસભ્યો છે, જેમાંથી 80થી વધુ પ્રથમ વખત જીત્યા છે અને બધા સામાન્ય પરિવારોમાંથી આવે છે. અહીં ધારાસભ્યનો દીકરો ધારાસભ્ય બને છે અને તેની પત્ની પણ ધારાસભ્ય બને છે, ભાજપમાં નેતાઓના બાળકોને જ ટિકિટ મળે છે, શું તમારા બાળકોને ટિકિટ મળે છે? આમ આદમી પાર્ટી તમારા બાળકોને ટિકિટ આપશે અને તમારી સરકાર બનાવશે.





