CM Bhupendra Patel News: પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે ૧૯ માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરચ્યુલી અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો.આ અવસરે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને પોરબંદર જિલ્લાના નાગરિકોને કુલ રૂ. 413.81 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા 46 જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ અર્પણ કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત અંદાજે રૂ. ૩૨૦.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામનારા 17 કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂ. 93.22 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૨૯ કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

CM Bhupendra Patel પોરબંદર જિલ્લાના નાગરિકોને વિડીયો માધ્યમથી શુભકામના પાઠવી ‘વિરાસત ભી, વિકાસ ભી’ ના મંત્રને સાર્થક કરતા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી એ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરી સુવિધાના સર્વાંગી કાર્યો સમગ્ર રાજ્યમાં તેજ ગતિએ કરવામાં આવી રહ્યા છે તે શૃંખલામાં આગળ વધતા પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે આશરે રૂ. ૨૯૧ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. સમગ્ર જિલ્લા માટે કુલ રૂ. 414 કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ વિકાસ યાત્રામાં માત્ર ભૌતિક માળખું જ નહીં, પરંતુ ‘સર્વોદય વન’ અને ‘મોકર સાગર વેટલેન્ડ’ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ઇકો-ટુરિઝમને પણ વેગ આપવાનો સરકારનો નિર્ધાર છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં RDSS યોજના હેઠળ રૂ. 20 કરોડના ખર્ચે વીજ સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવી છે અને યુવાનોના કૌશલ્ય વર્ધન માટે ITI માં નવા ભવનોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

સાંસ્કૃતિક દ્રષ્ટિએ પોરબંદરના મહત્વને ઉજાગર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી રામ નવમી થી શરૂ થતો માધવપુરનો મેળો એ માત્ર ઉત્સવ નથી પરંતુ ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગ દ્વારા પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો અતૂટ સેતુ છે. પૂજ્ય ગાંધી બાપુની આ જન્મભૂમિ પર સ્વચ્છતા અને સેવાના મૂલ્યો સાથે વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર મક્કમ છે.

તેમણે જણાવ્યું હતું કે, સરકારના મજબૂત ફાઇનાન્સ મેનેજમેન્ટ દ્વારા વિકાસના કામો માટે સરકાર પાસે નાણાની કોઈ કમી નથી.CM Bhupendra Patelએ લોકોને આ વિકાસ યાત્રામાં સહભાગી થવા અને વિકસિત ગુજરાત માટે પોરબંદરને લીડ લેતુ મહાનગર બનાવવા આહવાન કર્યું હતું.મુખ્યમંત્રી એ પોરબંદરમાં નવું સાંસ્કૃતિક વન બનવા જઈ રહ્યું છે તે સંદર્ભમાં જણાવ્યું હતું કે યોગાનું યોગ વન મંત્રી પણ પોરબંદરના છે અને તેમના સંકલનમાં થતા વન પર્યાવરણના તેમજ બરડા ડુંગર અને આ વિસ્તારના પર્યાવરણ લક્ષી વિકાસ કાર્યો થી આ જિલ્લાનો વિકાસ પર્યાવરણની સમતુલા સાથે આગળ વધશે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને સુદામા નગરી એવા પોરબંદરમાં ભવ્ય સાંસ્કૃતિક વિરાસત છે તેના મહત્વને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે શ્રેણીબદ્ધ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 2100 કરોડના કામો કર્યા છે.