Payal Sakaria AAP: ગુજરાતમાં ખુલ્લેઆમ બેરોકટોક ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, એનો તાજો દાખલો સુરતમાંથી જોવા મળ્યો. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ, 16 કિલો અફીણ અને 2620 સીરપની બોટલો ઝડપાઈ હતી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરીયાએ વીડિયોના માધ્યમથી ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, યુવા પેઢીને મજબૂત કરવા માટે અને યુવા પેઢીના ભવિષ્ય માટે આપણે સૌ ચિંતિત હોઈએ ત્યારે ગુજરાતમાં આજે ઠેર ઠેર લાખો અને કરોડોનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. સુરતમાં 3146 કિલો ડ્રગ્સ પકડાયું છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત શહેરથી છે અને એમના શહેરમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગ્સ પકડાઈ જાય છે પરંતુ ડ્રગ્સ મંગાવનાર અને ડ્રગ્સ મોકલનાર પકડાતો નથી. વર્ષોથી આ જ આપણે જોતા આવ્યા છીએ કે વર્ષોથી ડ્રગ્સ પકડાય છે પરંતુ ડ્રગ્સ મંગાવનારો અને મોકલનાર પકડાતો કેમ નથી?
વધુમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા Payal Sakaria જણાવ્યું હતું કે, આજે ખરી વાસ્તવિકતા એ છે કે સુરત ક્રાઇમ કેપિટલ બની ગયું છે અને એની પાછળનું કારણ છે કે ડ્રગ્સના નશામાં યુવાનો ધકેલાઈ રહ્યા છે. આજે સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડ્રગ્સ લેવાઈ રહ્યું છે તો ગુજરાતના ગૃહમંત્રી અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ડ્રગ્સ વેચવાવાળા, ડ્રગ્સ મંગાવવાવાળા લોકોને પકડવામાં આવે. જો આ લોકો પર કંટ્રોલ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં આમ આદમી પાર્ટી તમામ યુવાનોને સાથે રાખીને જનજાગૃતિ અભિયાન ચલાવશે અને સાથે સાથે અમે ડ્રગ્સ બાબતે અવાજ પણ ઉઠાવીશું અને સવાલો પણ કરીશું. જ્યારે એક મોટું ઉગ્ર આંદોલન થશે ત્યારે તમારા હાથમાં કંઈ નહીં રહે અને તમે ફક્ત પોતાના બચાવ કરવા સિવાય કંઈ નહીં કરી શકો. તો અમારી માંગ છે કે ડ્રગ્સ મંગાવનાર, અને મોકલનાર લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.





