CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અભ્યાસ વર્ગમાં સહભાગી થઈ રહેલા સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી.

નેશનલ ડિફેન્સ કોલેજ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા પાર્ટનર કન્‍ટ્રીઝના વિદેશી લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસ પર અભ્યાસક્રમ ચલાવે છે.

આ વર્ષે ઈકોનોમિક સિક્યોરિટી વિષયક અભ્યાસ વર્ગની બેચમાં ભારતીય સશસ્ત્ર દળોના 61, સિવીલ સર્વિસીસના 20 અને પાર્ટનર ફોરેન કન્ટ્રીઝના 41 મળી કુલ 122 અધિકારીઓનો સમાવેશ થયેલો છે.

આ અભ્યાસ વર્ગ દરમિયાન દેશના જુદા-જુદા રાજ્યોની સ્ટડી ટુરના આયોજનના ભાગરૂપે ગુજરાત પ્રવાસે આવેલા NDCના 17 અધિકારીઓની એક ટીમ રિઅર એડમીરલ સંદિપ સિંઘ સંધુના નેતૃત્વમાં ભારતીય સેનાની ત્રણે પાંખ ઉપરાંત ઈન્ડિયન રેવન્યુ સર્વિસીઝ, કોમ્યુનિકેશન સર્વિસીઝ તેમજ પાર્ટનર કન્ટ્રીઝના લશ્કરી અધિકારીઓ મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા.

CM Bhupendra Patel સાથેની આ મૂલાકાતમાં NDCના અધિકારીઓએ ગુજરાતની સર્વગ્રાહી આર્થિક વિકાસની ગાથા જાણવામાં ઉત્સુક્તા દર્શાવી હતી. ખાસ કરીને વિમન એમ્પાવરમેન્ટ, બેલેન્સ્ડ ઈકોનોમિક ગ્રોથ અને તીવ્ર ગતિએ થઈ રહેલા વિકાસ અંગે ની જાણકારી મેળવવા તેમણે મુખ્યમંત્રી સાથે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકેની ખ્યાતી મેળવી છે અને વિકાસનું રોલ મોડલ બન્યું છે. વાયબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત વિશ્વના ઉદ્યોગ રોકાણકારો માટે પ્રથમ પસંદ બન્યુ છે. ઔદ્યોગિક વિકાસ સાથે ગ્રીન ગ્રોથ અને બેલેન્સ્ડ રિજીયોનલ ઈકોનોમિક ગ્રોથ માટે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું પણ વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે સફળતાપૂર્વક આયોજન કર્યુ છે.

સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુરીઝમથી લોકલ ઈકોનોમીને વોકલ ફોર લોકલથી બુસ્ટ મળ્યુંછે. રાજ્યમાં 24 કલાક વિજળી, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશાળ કેનાલ નેટવર્ક દ્વારા નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચાડીને જે સર્વાંગી વિકાસ થયો છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની દરેક યોજના સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને બનાવી છે. એટલું જ નહિ, સેચ્યુરેશન એપ્રોચ અપનાવીને જેના માટે યોજના બની છે તે જરૂરતમંદ લાભાર્થી સુધી યોજનાનો લાભ પહોંચાડીને 100 ટકા સફળતાનો ધ્યેય પણ તેમના માર્ગદર્શનમાં સિદ્ધ થઈ રહ્યો છે તેમ ભૂપેન્દ્ર પટેલે આર્થિક સામાજિક વિકાસની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાના સંદર્ભમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રી સાથે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.