Gopal Italia AAP: ગાંધીનગર વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન વિસાવદર મતવિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના મતવિસ્તાર સંબંધિત મહત્વના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ત્રણ જિલ્લાઓ જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના હજારો ખેડૂતો સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ સંસ્થા છે. આ બેંકમાંથી દર વર્ષે હજારો ખેડૂતો કરોડો રૂપિયાનું પાક ધિરાણ મેળવે છે. આવી સંસ્થાનો વહીવટ પારદર્શક અને પ્રામાણિક રીતે થવો અત્યંત જરૂરી છે. ધારાસભ્યએ જણાવ્યું કે તેમના ધ્યાનમાં આવ્યું છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મુદત ઘણાં સમય પહેલાં પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં બેંકના ચેરમેન અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હજુ પણ પદ પર રહીને બેંકનો વહીવટ સંભાળી રહ્યા છે. આ મુદ્દે તેમણે વિધાનસભામાં પ્રશ્ન રજૂ કર્યો હતો. સરકારે આપેલા જવાબમાં સ્વીકાર્યું છે કે બેંકના ચૂંટાયેલા સભ્યોની મુદત ખરેખર પૂર્ણ થઈ ગઈ છે, છતાં બેંકમાં કસ્ટોડિયન (વહીવટદાર) ની નિમણૂંક કરવામાં આવી નથી. સરકારનું કહેવું છે કે હાલમાં એવી પરિસ્થિતિ નથી કે જેમાં કસ્ટોડિયનની નિમણૂંક કરવાની જરૂર પડે. ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે ત્રણ જિલ્લાનાં હજારો ખેડૂતો કરોડો રૂપિયાનું ધિરાણ લેતા હોય તેવી સંસ્થામાં બોર્ડની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં એ જ લોકો વહીવટ ચલાવી રહ્યા છે, ત્યારે આ સ્થિતિ કેટલી વ્યાજબી ગણાય?

Gopal Italiaએ વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટાયેલી બોડીઓની મુદત પૂર્ણ થતાં સરકારે તરત જ કસ્ટોડિયન એટલે કે વહીવટદારની નિમણૂંક કરી દીધી હતી. ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક બાબતે સરકાર આટલી ઉદાસીન કેમ છે? ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારને સવાલ કર્યો કે જ્યારે કરોડો ખેડૂતોના કરોડો રૂપિયાનો પ્રશ્ન જોડાયેલો હોય ત્યારે આવી બાબતોને ગંભીરતાથી કેમ લેવામાં આવતી નથી.