Gujarat: ગુજરાત ગેસે કુદરતી ગેસ (PNP) પુરવઠામાં કાપ મૂક્યો: વિશ્વ હાલમાં ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અને નકારાત્મક અસર હવે ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર પડી રહી છે. ગુજરાત ગેસ કંપનીએ તાત્કાલિક અસરથી ઉદ્યોગોને કુદરતી ગેસ (PNP) ના પુરવઠામાં 50 ટકાનો ઘટાડો કર્યો છે, જેના કારણે ઉદ્યોગપતિઓમાં વ્યાપક ચિંતા અને ગભરાટ ફેલાયો છે.
ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી, ઉદ્યોગ બંધ થવાનો ભય!
ગુજરાત ગેસના આ અચાનક નિર્ણયથી ઉદ્યોગોને સ્થાનિક અને વિદેશી ઓર્ડર પૂરા કરવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે આ કાપ તેમના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર કરશે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા ઉદ્યોગોને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી શકે છે.
ઉદ્યોગપતિઓની મુખ્ય માંગણીઓ
કાપ સ્થગિત કરવાની માંગ: તાત્કાલિક અસરથી લાગુ કરાયેલા આ કાપને ઓછામાં ઓછા દસ દિવસ માટે મુલતવી રાખવા જોઈએ જેથી તેઓ ઓપરેશનલ ઓર્ડર પૂરા કરી શકે.
ઘટાડાનો આધાર બદલવાની માંગ: એવી માંગ કરવામાં આવી છે કે ઘટાડાનો અમલ છેલ્લા 30 દિવસના સરેરાશ વપરાશને બદલે છેલ્લા 3 મહિનાના સરેરાશ વપરાશના આધારે કરવામાં આવે.
શું સ્વચ્છ બળતણ નીતિ હવે અભિશાપ બની ગઈ છે?
રાજ્ય સરકારની ‘સ્વચ્છ બળતણ નીતિ’ને કારણે, ગુજરાતના 80 ટકા ઉદ્યોગો ગેસ આધારિત છે. હવે મુખ્ય બળતણ (ગેસ) નો પુરવઠો અડધો થઈ ગયો છે, તેથી આ નીતિ ઉદ્યોગો માટે અભિશાપ સાબિત થઈ રહી છે. અન્ય રાજ્યોમાં ડીઝલ અને કોલસાના ઉપયોગ પર કોઈ નિયંત્રણો નથી, જેના કારણે ગુજરાતના ઉદ્યોગો સ્પર્ધામાં પાછળ રહી જશે.
શું સરકાર મંજૂરી આપશે?
ઉદ્યોગપતિઓને આશા છે કે સરકાર આ અસાધારણ પરિસ્થિતિમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને ગેસના વિકલ્પ તરીકે ડીઝલ અથવા કોલસાનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. જો આવી પરવાનગી નહીં મળે તો રાજ્યના ઔદ્યોગિક વિકાસને મોટો ફટકો પડશે.





