CM Bhupendra Patel News મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “કવાંટ ગેર મેળા”ની સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરતી ટપાલ ટિકિટ અને વિશેષ કવરની પ્રથમ પ્રતનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું.ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ટપાલ ટિકિટ અને કવરની ભેટ આપી હતી.
રાજ્યની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.આ અવસરે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટા ઉદેપુરનાં કલેક્ટર ગાર્ગી જૈન, પ્રવર ડાક અધિક્ષક આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડતો ‘કવાંટ ગેર મેળો’ માત્ર એક ઉત્સવ નથી, પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતિક છે. આ મેળો સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ સાથે વિરાસત ભી વિકાસ ભીને પણ ઉજાગર કરે છે.





