Ahmedabad Fire newsઅમદાવાદના કાલુપુર બ્રિજ પાસે એક ફેક્ટરીમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફેક્ટરી રાખ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી.

શહેરકોટડા પોલીસ સ્ટેશનની સામે આવેલી એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટાથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડને રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આગની જાણ કરવામાં આવી હતી. ગોમતીપુર, પંચકુવા, નરોડા અને મણિનગર ફાયર સ્ટેશનથી ફાયર એન્જિનો મોકલવામાં આવ્યા હતા.

થોડા કલાકોની મહેનત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગનું કારણ હજુ સ્પષ્ટ નથી.ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાત્રે લાગેલી આગને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે આસપાસના વિસ્તારના ફાયર બ્રિગેડના વાહનો અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફેક્ટરીમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગનું કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.

આગમાં ફેક્ટરીમાં લગભગ બધું જ બળીને ખાખ થઈ ગયું હતું. ફેક્ટરીના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને જરૂરી પરમિટ અંગે તપાસ ચાલી રહી છે.