AAP News: આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર સમિતિ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ છતાં પીરાણા ડમ્પ સાઇટનો કચરાનો પહાડ સમયસર દૂર ન થતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ તકે અમદાવાદ શહેર સંગઠન મહામંત્રી જતીન પટેલ, શહેર ઉપપ્રમુખ સંદીપ શર્મા, શહેર ઉપપ્રમુખ મોતીભાઈ દેસાઈ સહિત શહેર સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટી(AAP) અમદાવાદ શહેર સમિતિ તરફથી વિનંતી કરવામાં આવી હતી કે અમદાવાદ શહેરના પીરાણા ડમ્પસાઇટ ખાતે વર્ષોથી જમા થયેલા કચરાના પહાડને દૂર કરવા બાબતે National Green Tribunal (NGT) દ્વારા વર્ષ 2021 સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ દુઃખ સાથે જણાવવાનું છે કે આજદિન સુધી કદાચ માત્ર 50 ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલ હોવાનું જણાય છે. બાકી રહેલા કચરાના નિકાલમાં થતા વિલંબને કારણે આસપાસના વિસ્તારમાં વસતા નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. દુર્ગંધ, વાયુ પ્રદૂષણ અને આગ લાગવાની ઘટનાઓને કારણે પર્યાવરણ તથા જન આરોગ્ય માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.
આમ આદમી પાર્ટી(AAP)ની માંગણીઓ છે કે ૧.પીરાણા ડમ્પસાઇટની બાકી રહેલી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવામાં આવે.૨.અત્યાર સુધી થયેલી કામગીરીનો જાહેર હિસાબ અને ખર્ચની વિગત જાહેર કરવામાં આવે.૩.આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોના આરોગ્ય ચકાસણી કેમ્પ તથા જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.૪.ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે.આમ આદમી પાર્ટી દ્વારા નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા વિનંતી કરવામાં આવી હતી.





