Acharya Devvrat News: ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદને સંબોધિત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલ Acharya Devvratએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જેવા ગંભીર વિષયને આજે વિધાનસભામાં સ્થાન મળ્યું છે તે આનંદની વાત છે. જૈવિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત જણાવતા તેમણે કહ્યું કે, જૈવિક ખેતીમાં એક એકર માટે ૩૦૦ ક્વિન્ટલ છાણિયા ખાતરની જરૂર પડે છે. તેનાથી વિપરીત, પ્રાકૃતિક ખેતી એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડથી વધુ જીવાણુઓ હોય છે અને ગૌમૂત્ર ખનિજોનો ભંડાર છે. જીવામૃત અને ઘન જીવામૃત દ્વારા જમીનમાં અળસિયા અને મિત્ર કીટકોની સંખ્યા વધે છે, જે કુદરતી રીતે જમીનને ફળદ્રુપ બનાવે છે.
રાજ્યપાલએ ચિંતા વ્યક્ત કરી કે, વર્ષો પહેલાં કેન્સર, ડાયાબિટીસ કે હાર્ટએટેક જેવા રોગોનું પ્રમાણ નહિવત હતું. જ્યારે આજે નાના બાળકોમાં પણ કેન્સર જોવા મળે છે. નવજાત શિશુ માટે અમૃત સમાન માતાના દૂધમાં પણ હવે યૂરિયા અને જંતુનાશકો મળી રહ્યા છે, તેવા રિસર્ચનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
ભારતમાં હરિત ક્રાંતિ સમયે દેશની ધરતીનો ઓર્ગેનિક કાર્બન ૨ થી ૨.૫% હતો, જે આજે ઘટીને ૦.૫% થી પણ નીચે જતો રહ્યો છે. રાજ્યપાલએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫% થી નીચે જાય તે જમીન બંજર ગણાય. ગુજરાતમાં રાસાયણિક ખેતીવાળી જમીનનું ઓર્ગેનિક કાર્બન ૦.૫% થી નીચે પહોંચી ચૂક્યું છે. જેના પરિણામે જમીન કઠણ થઈ જતા, વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી અને પૂરની સ્થિતિ સર્જાય છે. રાજ્યપાલએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીમાં અળસિયા કુદરતી રીતે જમીનમાં છિદ્રો બનાવે છે, જેના પરિણામે વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થાય છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, દેશના કરોડો રૂપિયા યૂરિયા-ડીએપીની સબસિડી પાછળ વેડફાય છે. જો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો આ ખર્ચ બચી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અમલી થયું છે. રાજ્ય સરકારના પ્રયાસોથી ગુજરાતમાં અત્યારે ૮ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.
રાજ્યપાલએ કહ્યું કે, ખેડૂતો શરૂઆતમાં તેમના ખેતરના એક ભાગમાં પ્રાકૃતિક કૃષિ કરે તે જરૂરી છે. આ ઉપરાંત તેમણે વિધાનસભાના તમામ સભ્યોને આહવાન કર્યું કે, દરેક સભ્ય પોતાના વિસ્તારના એક ગામને ‘પ્રાકૃતિક ગામ’ અચૂક બનાવે.
રાજ્યપાલએ જળ, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય બચાવવા પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાનું જણાવી કહ્યું કે, ગુજરાત સરકારના સહયોગથી આ મિશન હવે જન-આંદોલન બની ચૂક્યું છે. જો આપણે આવનારી પેઢીને કેન્સર જેવી ઘાતક બીમારીઓથી બચાવવી હોય અને ખેડૂતોની આવક બમણી કરવી હોય, તો પ્રાકૃતિક ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીને આજના અને આવનારા બેય સમયની અનિવાર્યતા ગણાવતા કહ્યું કે, ‘પહેલું સુખ તે જાત નિરોગી’. આ પરંપરાગત ઉક્તિ માટે પ્રાકૃતિક ખેતી જ તારણોપાય છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘બેક ટુ બેઝિક’નો મંત્ર આપ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે ઉમેર્યું કે, બેક ટુ બેઝિક દ્વારા માત્ર પ્રાકૃતિક ખેતી જ નહિ, માનવ જીવનના સ્વાસ્થ્યને અસરકર્તા બધા જ સ્ત્રોતોના સંવર્ધનનો માર્ગ વડાપ્રધાનએ ચિંધ્યો છે. પાણીની સમસ્યા નિવારવા કેચ ધ રેઈન, ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા તેમજ ગ્રીન કવર વધારવા માટે એક પેડ માં કે નામ અને સ્વસ્થતા માટે રસાયણમુક્ત ખેતીના વડાપ્રધાનએ આપેલા અભિયાનો વ્યાપકપણે અપનાવવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા અને સઘન માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતી જન આંદોલન બની છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોને ભવિષ્યની પેઢીને સ્વસ્થ-તંદુરસ્ત રાખવાનું આત્મસંતોષપૂર્ણ કામ ગણાવ્યું હતું અને પ્રાકૃતિક ખેતીનો આ પરિસંવાદ વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રેરિત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ તકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સૌને આવકારતાં કહ્યું હતું કે, જીવન જીવવા માટે અતિ આવશ્યક હવા અને પાણીને શુદ્ધ રાખવા ‘પ્રાકૃતિક કૃષિ’ને વધુને વધુ પ્રાધાન્ય આપવું ખૂબ જરૂરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતની પ્રજા માટે સતત સંવેદનશીલતા પૂર્વક આ કાર્ય કરી રહ્યા છે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં આઝાદીની ચળવળ માટેનું નેતૃત્વ ગુજરાતે કર્યું છે. જ્યારે આજે સુશાસન થકી દેશ અને વિશ્વને દિશા આપવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઈ શાહ કરી રહ્યા છે.
શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, રાજ્યપાલ સ્વયં ગામડે ગામડે ખેડૂતોની વચ્ચે જઈને પ્રાકૃતિક કૃષિના ફાયદા બતાવી રહ્યા છે. આ વર્ષે ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિ અંગે બજેટમાં પણ બહુ મોટી જાહેરાત કરી છે. આ કામ માત્ર સરકારનું ન રહે પરંતુ વિધાનસભાના માધ્યમથી ગુજરાતના છેવાડાના નાગરિક સુધી પહોંચે એ માટેનો પ્રયત્ન આપણે કરવો પડશે. આ જાગૃતિ લાવવામાં મીડિયા પણ ખૂબ મોટી ભૂમિકા ભજવી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે આભાર વ્યક્ત કરતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ગૃહમાં આ પ્રકારના પ્રાકૃતિક કૃષિના પરિસંવાદનું આયોજન થવું એ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. પ્રાકૃતિક કૃષિના ઋષિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પરિસંવાદના માધ્યમથી સૌને ખૂબ સરળ ભાષામાં પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
મંત્રીએ ગૃહના સૌ સભ્યોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ આજના સમયમાં માનવજીવન સૌથી સંવેદનશીલ મુદ્દો છે, જેથી સૌ પ્રજાના પ્રતિનિધિઓએ પણ પોતાના વિસ્તારમાં અંગત રસ લઈ પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જોઈએ.
આ પ્રસંગે સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી સહિત મંત્રી મંડળના સભ્યો, સાંસદઓ, ધારાસભ્યઓ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ ઉપાધ્યક્ષ, પૂર્વ સાંસદઓ, પૂર્વ ધારાસભ્યઓ, યુનિવર્સિટીઓના કુલપતિઓ, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, મીડિયાના સંપાદકો અને પ્રતિનિધિઓ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.





