Praveen Ram AAP: આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો માટે શરૂ કરેલ “પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા” અંતર્ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ ભાણખોખરી, જામ ખંભાળિયા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં જામખંભાળિયાના ખેડૂતો અને યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ ખેસ પહેરાવીને તમામ લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. ખેડૂતોનું સમર્થન અને યુવાઓનો જોશ દર્શાવી રહ્યો હતો કે આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇતિહાસ લખશે.

આ જનસમા દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, હવે આપણા અસ્તિત્વની છેલ્લી લડાઈ છે. ભાજપે છેલ્લા 30 વર્ષથી જાતિના નામે જ્ઞાતિના નામે ધર્મના નામે આપણને લૂંટ્યા છે અને જો આપણે હજુ પણ નહીં જાગીએ તો આપણા બાળકોનું ભવિષ્ય પણ ધૂંધળું થઈ જશે. હાલ ખેડૂતો માટે એટલી કપરી પરિસ્થિતિ પેદા થઈ છે કે ખેતી કરનાર દીકરાને કોઈ પોતાની દીકરી આપવા પણ તૈયાર નથી. અમેરિકાની સરકાર અમેરિકાના ખેડૂતને 54 લાખ રૂપિયાની સબસીડી આપે છે જ્યારે આપણી સરકાર “ બાબાજીનું ઠુલ્લું” આપે છે. અત્યારે ખેડૂતોના ખેતરોમાં મરજી પડે એમ થાંભલાઓ અને પવનચક્કીઓ રાખવામાં આવી રહ્યા છે. ખેડૂત જ્યારથી ખેડૂત મટીને જાતિ જ્ઞાતિમાં વહેંચાઈ ગયો છે, ત્યારથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેતરોમાં થાંભલા નાખવા માટે કંપનીઓ જે પોલીસને લઈને આવે છે એ પોલીસને ભાડે રાખવામાં આવે છે. આ બાબતનો ખુલાસો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં કર્યો હતો. આ લોકોને હું એટલું જ કહીશ કે તમારે ખેતરમાંથી થાંભલા નાખવા હોય તો મંત્રીના કે મુખ્યમંત્રીના ખેતરોમાં થાંભલા નાખો. જે દિવસે અમારા હાથમાં સત્તા આવશે ત્યારે આ લોકોના ફાર્મ હાઉસ વેચાવીને એના પૈસા આપણી માતા બહેન દીકરીઓના ખાતામાં નાખીશું. હું ખેડૂતો માટે, માતા બહેન દીકરીઓ માટે, ગરીબો વંચિતો અને શોષિતો માટે એક વાર નહીં પરંતુ 100 વાર પોતાનું ગળું કપાવવા માટે તૈયાર છું