Ahmedabad: અમદાવાદ પૂર્વમાં વસ્ત્રાલ રિંગ રોડ ચોકડી પર આજે એક અકસ્માત થયો. એક પૂરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે મોપેડ ચાલક પાયલબેન ગજ્જરને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, પાયલબેનનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.

આ અકસ્માત કેવી રીતે બન્યો?

પીડિતા પાયલબેન ગજ્જર વસ્ત્રાલ રિંગ રોડ પર મોપેડ ચલાવી રહી હતી ત્યારે એક ઝડપી કન્ટેનર ચાલકે તેને પાછળથી ટક્કર મારી, જેનાથી તે ટ્રક નીચે કચડી ગઈ અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ ૧૦૮ ટીમ અને પોલીસને જાણ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં પાયલબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બે વર્ષ (૨૦૨૩ અને ૨૦૨૪) દરમિયાન માર્ગ અકસ્માતોમાં કુલ ૧૫,૫૭૧ લોકોના મોત થયા છે, જેમાંથી ૬,૬૮૪ ગ્રામીણ રસ્તાઓ પર અને ૪,૪૬૨ રાજ્ય ધોરીમાર્ગો પર થયા છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક જામ અને અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. મોટાભાગના અકસ્માતો ઝડપી ગતિ અને બેદરકારીથી વાહન ચલાવવાને કારણે થયા છે.