Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. પાકને યોગ્ય ભાવ ન મળવો, ટેકાના ભાવે ખરીદી ન થવી, ખાતર અને બિયારણમાં કાળા બજારી, નકલી અને ભેળસેળ ખાતર-બીજનું વેચાણ, APMCમાં ખેડૂતોને પડતી તકલીફો અને લૂંટફાટ, પૂરતી વીજળી ન મળવી તેમજ દેવાના પ્રશ્નો યથાવત છે. તેમણે જણાવ્યું કે ભારત–અમેરિકા ટ્રેડ ડીલના કારણે ખેડૂતો, પશુપાલકો, અને શ્રમિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં સોમનાથથી રાજ્યવ્યાપી “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” યાત્રાની શરૂઆત કરી રહી છે, જે 8 માર્ચે ગાંધીનગર પહોંચશે. તેમજ વિવિધ તબક્કાઓમાં અન્ય આગેવાનો અને કાર્યકરો પણ યાત્રામાં જોડાશે.
AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે તેઓ સોમનાથથી યાત્રાનું પ્રસ્થાન કરાવશે અને યાત્રાના સમાપન સમયે અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે. તેમણે ખેડૂતો, મજૂરો, ભાગિયાઓ, ખેડૂત સંસ્થાઓ અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને પક્ષપાત ભૂલીને યાત્રામાં જોડાવા અપીલ કરી. તેમણે કહ્યું કે યાત્રામાં જોડાવાથી બે ફાયદા થશે, એક તો સરકારને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે દબાણ ઊભું થશે અને બીજું કે ખેડૂતો પોતાના હકો અને અધિકારો પ્રત્યે વધુ જાગૃત બનશે. ટ્રેડ ડીલથી થનારા સંભવિત નુકસાન અંગે પણ લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. આ યાત્રા દરમિયાન સિંચાઈ, હાઈટેન્શન લાઇન, વળતર, પોલીસ દમન સહિતના વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવશે. યાત્રા અંગેની તમામ વિગતો આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવશે. સોમનાથથી શરૂ થતી આ ખેડૂત યાત્રામાં વધારેમાં વધારે સંખ્યામાં જોડાઈ ખેડૂત હિતની લડતમાં સહભાગી બનો.





