Chaitar Vasava News: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે વિધાનસભા ગૃહમાં મનરેગા યોજના મુદ્દે મારો સવાલ હતો કે છેલ્લા બે વર્ષમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા લોકોએ મનરેગા યોજના અંતર્ગત રોજગારીની માંગ કરી. ત્યારે જવાબમાં સરકારે કહ્યું કે નર્મદા જિલ્લામાં 1,27,302 લોકોએ રોજગારીની માંગ કરી. છોટાઉદેપુરમાં 1,17,900 લોકોએ રોજગારીની માંગ કરી. તેની સામે સરકારે નર્મદા જિલ્લામાં માત્ર 46,33,817 માનવ દિવસની રોજગારી પૂરી પાડી, જે દરેક પરિવાર દીઠ બે વર્ષમાં 36 દિવસ સરેરાશ રોજગારી થાય છે, મતલબ કે વર્ષના 18 દિવસની રોજગારી. એવી જ રીતે છોટાઉદેપુરમાં 30,65,920 માનવ દિવસની રોજગારી પૂરી પાડી. જે દરેક પરિવાર દીઠ બે વર્ષમાં 26 દિવસ સરેરાશ રોજગારી થાય છે, મતલબ કે વર્ષના 13 દિવસની રોજગારી.
વધુમાં ધારાસભ્ય Chaitar Vasavaએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી નથી, તેથી લોકોનો આધાર મનરેગા યોજના પર હતો. પરંતુ છેલ્લા બે વર્ષમાં ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં ભાજપના મંત્રીના પુત્રોએ અને જલારામ એન્ટરપ્રાઇઝના હીરા જોટવા દ્વારા રોજગારીના ગ્રાન્ટના પૈસાનો ઉપયોગ મટીરીયલમાં કરવામાં આવ્યો અને કરોડો રૂપિયા સગેવગે કરી નાખવામાં આવ્યા. કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને નવું જીરામજી નામ આપ્યું અને 100 દિવસની રોજગારીના 125 દિવસ કર્યા પરંતુ મારો સવાલ છે કે તમે પહેલા લોકોને 100 દિવસની રોજગારી તો આપો. 100 દિવસ પૂરા કર્યા હોય એવા કેટલા જોબ કાર્ડ છે એ પણ મેં સવાલ કર્યો હતો. તો તેના જવાબમાં સરકારે કહ્યું કે 1,27,302 લોકોએ અરજી કરી હતી પરંતુ ફક્ત 200 લોકોને 100 દિવસની રોજગારી આપવામાં આવી છે. તો આના પરથી દેખાય છે કે સરકાર આટલી મોટી ગ્રાન્ટ અને આટલું મોટું તંત્ર હોવા છતાં પણ લોકોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે. લોકોને રોજગારી મળે એ માટે અમે આજે ગૃહમાં મંત્રી અને સરકાર સામે માંગણી કરી છે, આવનાર દિવસોમાં લોકોને સાથે રાખીને રસ્તા પર ઉતરીને પણ અમારી માંગણીઓ કરીશું.





