Mona Thiba On Prostitution : શહેરમાં તાજેતરમાં એક ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન જાણીતી અભિનેત્રી Mona Thiba દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. દેહવ્યવસાય જેવા સંવેદનશીલ વિષય પર આધારિત ફિલ્મના પ્રચાર દરમિયાન અભિનેત્રીએ આ વ્યવસાયને “સમાજ સેવા” સાથે સરખાવતા સોશિયલ મીડિયા તેમજ સામાજિક સંગઠનોમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

શું કહ્યું અભિનેત્રીએ?

પત્રકાર પરિષદ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં અભિનેત્રી Mona Thibaએ જણાવ્યું હતું કે,દેહવ્યવસાય એક પ્રકારની સમાજ સેવા છે, કારણ કે તેના કારણે સમાજમાં બળાત્કારની ઘટનાઓ અટકે છે. આ નિવેદન બાદ લોકોમાં આશ્ચર્ય સાથે આક્રોશ ફેલાયો છે. ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, મહિલાઓના સન્માન અને સુરક્ષાની વાત કરતી સમાજવ્યવસ્થામાં આવા તર્કને કેવી રીતે યોગ્ય ગણાવી શકાય.

કાયદાકીય અને સામાજિક દૃષ્ટિએ ઉઠ્યા સવાલ

રાજ્યમાં દેહવિક્રય અને માનવ વેપાર સામે કડક કાયદાકીય જોગવાઈઓ અમલમાં છે. ત્યારે જવાબદાર જાહેર વ્યક્તિ દ્વારા આવા શબ્દોનો પ્રયોગ કરવો યોગ્ય છે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકોનું માનવું છે કે અભિનેત્રી રાજ્યના કાયદા અંગે અજાણ હતી, જ્યારે અન્યોએ આને ફિલ્મની પબ્લિસિટી માટે કરાયેલું નિવેદન ગણાવ્યું છે.

બનાસકાંઠામાં પણ વિરોધ

આ મામલે માત્ર રાજકોટ જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના Banaskantha જિલ્લામાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ફિલ્મ અને નિવેદન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિરોધકર્તાઓનું કહેવું છે કે આવી રજૂઆતો સમાજમાં ખોટો સંદેશ ફેલાવે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરી શકે છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે જવાબદારીનો પ્રશ્ન

કલા જગતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે વિષય સામાજિક નૈતિકતા અને કાયદા સાથે સંકળાયેલો હોય ત્યારે જવાબદારી વધુ વધી જાય છે. આ સમગ્ર મામલે હવે ફિલ્મ નિર્માતાઓ અને કલાકાર તરફથી કોઈ સ્પષ્ટતા કે માફી આવે છે કે નહીં તે તરફ સૌની નજર છે.